(એજન્સી) લંડન,તા.રર
ભારતમાં યોજાનાર શૂટિંગ સ્પર્ધામાં પાકિસ્તાનના બે શૂટરોઓને વિઝા આપવાનો ભારતે ઈન્કાર કરતા વિશ્વ ઓલમ્પિક સમિતિએ નારાજગી વ્યકત કરી ઓલમ્પિક સાથે જોડાયેલ કોઈપણ સ્પર્ધા હવે પછીથી ભારતમાં નહી કરવાનો નિર્ણય કર્યો છે. ર૩ ફેબ્રુઆરીના રોજ ભારતમાં શુટિંગ સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા આવનાર પાકિસ્તાનના બે શૂટરોને ભારતે વિઝા આપવાનો ઈન્કાર કર્યો હતો. આઈઓસીએ રપ મીટ રાઈફલ શુટિંગ સ્પર્ધાને ઓલમ્પિક ઈવેન્ટ તરીકેની માન્યતા રદ કરવાની ચેતવણી આપી હતી. આ સ્પર્ધામાં ૬૧ દેશોના પ૦૦ એથ્લેટસ ભાગ લેનાર છે. વૈશ્વિક (આઈઓસી) સંગઠને આ અંગે ભારત સરકારના અસહકાર બદલ નાખુશી વ્યકત કરી હતી. આઈઓસીએ હવે નિર્ણય કર્યો છે કે ભારતીય ઓલમ્પિક કમિટી કે સરકાર સાથે ભવિષ્યમાં કોઈપણ ખેલ પ્રત્યોગીતા કે ઓલમ્પિક સંબંધિત તમામ ચર્ચાઓ સ્થગિત કરી છે. આઈઓસીએ ભારતીય ઓલમ્પિક કમિટી, ભારત સરકાર અને આઈએસએસએફ સાથે સંયુકત પ્રયાસ કરી આ મુદ્દે ચર્ચા કરી હતી. છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. ભારત સરકારે પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળને ભારતમાં પ્રવેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. જે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના નિયમોના ભંગ સમાન છે.