(એજન્સી) વોશિંગ્ટન,તા.૨૮
ભારતને અફઘાનિસ્તાનમાં સેનાઓ મોકલવા અંગે કોઇએ કહ્યંુ નથી એવું ભારપૂર્વક જણાવીને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ યુદ્ધગ્રસ્ત દેશમાં નવી દિલ્હીની ભૂમિકા સુરક્ષાના મુદ્દે નહીં પરંતુ આર્થિક અને લોકતાંત્રિક વિકાસના મુદ્દા પર કેન્દ્રિત છે.
ગત સપ્તાહે અફઘાન અને સાઉથ એશિયા પોલિસી વક્તવ્યમાં રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવી દિલ્હી માટે ખાસ કરીને આર્થિક ક્ષેત્રમાં અને યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા લાવવામાં વધુ ભૂમિકા માટે અપીલ કરી હતી. અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે ભારતને અમેરિકા તરફથી કોઇ ખાસ કામગીરી આપવામાં આવી નથી પરંતુ રાષ્ટ્ર પ્રમુખ એટલું ઇચ્છે છે કે ભારત અફઘાનિસ્તાનમાં તેના સારા આર્થિક વિકાસકીય કાર્યો ચાલુ રાખશે. ભારતની ભૂમિકા અફઘાનિસ્તાનની સુરક્ષા પર નહીં પરંતુ અર્થતંત્ર પર કેન્દ્રિત છે એવંુ ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કોઇએ ભારતને અફઘાનિસ્તાનમાં સેનાઓ મોકલવા જણાવ્યું નથી. આ બાબત ચર્ચાના ફલક પર હતી જ નહીં.
અધિકારીએ પોતાની ઓળખ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે ભારતે કાબુલ પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને સ્થિર, શાંત અફઘાનિસ્તાન માટે પ્રાદેશિક સર્વાનુમતિ ઊભી કરવામાં અને પ્રાદેશિક સમાધાનના ભાગરૂપે હંમેશા ભારત સક્રિય રહ્યું છે. અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે ભારત તેની આ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે. એક પ્રશ્નના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે ભારતે અફઘાનિસ્તાનને ૩ અબજ અમેરિકન ડોલરની સહાય આપવાનો સંકલ્પ કર્યો છે તેની અમે કદર કરીએ છીએ.