(એજન્સી) લાહોર, તા.૧૦
પાકિસ્તાનના વિખ્યાત ક્રિકેટર અને તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાનખાને તેમના પક્ષના ચૂંટણી ઢંઢેરામાં પાકિસ્તાનને ઈસ્લામિક કલ્યાણકારી રાજ્ય બનાવવાની જાહેરાત કરી છે. જો કે પાકિસ્તાન પહેલેથી જ ઈસ્લામિક દેશ છે. ચૂંટણી ઢંઢેરામાં ઈમરાનખાને ભારત સાથે શાંતિ સ્થાપવા નીતિઓ બનાવવાની પણ વાત કરી છે. તેમણે કાશ્મીર મુદ્દો યુનોના પ્રસ્તાવ મુજબ ઉકેલવા પર ભાર મૂક્યો છે. તેમણે ખાતરી આપી હતી કે જો જનતા તેમને જીત અપાવશે તો તેઓ ચૂંટણી ઢંઢેરાની તમામ નીતિઓ અને યોજનાઓને ૧૦૦ દિવસમાં પૂરી કરી બતાવશે. મતલબ કે દેશમાં મોજૂદા ગંભીર આર્થિક અને પ્રશાસનીક સંકટ દૂર કરાશે. ઈમરાનખાને કહ્યું કે, પાકિસ્તાનની જટિલ રાજનીતિને સમજનાર વ્યક્તિ જ પાકિસ્તાનનો વડાપ્રધાન બની શકશે. પાકિસ્તાનમાં ૩૪ર બેઠકો માટે ર૭ બેઠકો પર રપ જુલાઈએ ચૂંટણી યોજાનાર છે. ડોન અખબાર સાથે એક મુલાકાતમાં ઈમરાનખાને કહ્યું કે, નવાઝ શરીફે પૂરા પ્રયાસ કર્યા છતાં ભારત શાંતિ ઈચ્છતું નથી. મોદીને લાહોર પણ બોલાવ્યા હતા. મોદીની નીતિ પાકિસ્તાનને અલગ પાડી દેવાની છે. પાકિસ્તાન પ્રત્યે મોદીનું આક્રમક રૂપ છે. આ વલણ હોય તો શું કરાય ? વડાપ્રધાન મોદી ર૦૧પમાં પાકિસ્તાન ગયા હતા તો ર૦૧૬માં પઠાણકોટ હુમલો થયો હતો. તેથી બંને દેશો વચ્ચે તંગદિલી વ્યાપી હતી. ઈમરાનખાને કહ્યું કે ઘોષણાપત્રમાં ખાસ કરીને ભારત સાથે સંઘર્ષ ખતમ કરવા સુરક્ષા અને સહયોગની નીતિ બનાવવી મહત્ત્વનું છે. ઈમરાનખાન પાકિસ્તાનના ખૈબર પખ્તુન પ્રાંતના વતની છે. તેઓ રાજકીય પક્ષોને કડી ટક્કર આપી રહ્યો છે. ર૦૧૩માં પખ્તુન પ્રાંતમાં ઈમરાનખાનની પાર્ટીએ પહેલીવાર સરકાર બનાવી હતી. નેશનલ ધારાસભામાં ૩પ બેઠકો જીતી હતી. ઈમરાનખાન પોતે પ બેઠકો પરથી ચૂંટણી જીત્યા હતા.