નવી દિલ્હી, તા. ૧૮
નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યંુ હતું કે, રોહિંગ્યા મુસ્લિમોનો દેશનિકાલ કરવાનો કારોબારી નીતિવિષયક નિર્ણય છે અને સુપ્રીમ કોર્ટે તેમાં દખલ કરવી જોઇએ નહીં. એક લેખિત સોગંદનામામાં કેન્દ્ર સરકારે સુપ્રીમમાં જણાવ્યંુ હતું કે, મ્યાનમારમાંથી આવેલા રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓ દેશની સુરક્ષા માટે અત્યંત ગંભીર અને સંભવિત ખતરો છે. ભારત દ્વારા દેશનિકાલ કરવાની પ્રક્રિયાને પડકારતા બે વ્યક્તિઓએ કરેલી અરજી અંગે કેન્દ્ર સરકારે સોગંદનામામાં જણાવ્યું હતું કે, રોહિંગ્યા મુસ્લિમો દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને મની લોન્ડ્રીંગ જેવી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, રોહિંગ્યાઓ માટેનો અંતિમ નિર્ણય હવે કોર્ટ જ લેશે.
મહત્ત્વના ૧૦ મુદ્દા
૧. મ્યાનમારમાં ભારે હિંસાને પગલે જીવ બચાવી ભારતમાં આવી પહોંચેલા હજારો રોહિંગ્યા મુસ્લિમો અંગે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, કેટલાક રોહિંગ્યાઓને આતંકવાદીઓનું સમર્થન છે અને તેઓ જમ્મુ, દિલ્હી, હૈદરાબાદ અને મેવાતમાં પ્રવૃત છે તથા ભારતની આંતરિક તથા રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત ગંભીર અને સંભવિત ખતરો હોવાનું જાણવા મળ્યું છે.
૨. સરકારે કહ્યું છે કે, આ ધસારો વર્ષ ૨૦૧૨માં શરૂ થયો હતો. સરકારી દસ્તાવેજો અનુસાર ઘણા રોહિંગ્યાઓ આઇએસઆઇ અને આઇએસઆઇએસ તથા અન્ય આતંકવાદી જૂથો સાથે સંકળાયેલા હોવાના શંકાસ્પદ છે જેઓ ભારતમાં પોતાના ગુપ્ત એજન્ડાને પાર પાડવા માગે છે જેમાં દેશના સંવેદનશીલ વિસ્તારોમાં કોમવાદી અને સાંપ્રદાયિક હિંસા ફેલાવવાનું સામેલ છે.
૩. સુરક્ષા એજન્સીઓના સંકેત તથા અન્ય આધારભૂત પુરાવા સાથે સરકારે જણાવ્યું હતું કે, એવા સંકેત છે કે, કેટલાક રોહિંગ્યાઓના પાકિસ્તાનમાં રહેલા આતંકવાદીઓ સાથે સંબંધ છે અને અન્ય દેશોમાં પણ આ જ સંગઠનો સક્રિય છે.
૪. સરકારની એફિડેવિટ અનુસાર ભારતમાં બુદ્ધો વિરૂદ્ધ કટ્ટરપંથી રોહિંગ્યાઓ દ્વારા હિંસા ફેલાવાની ગંભીર સંભાવનાઓ છે.
૫. શરણાર્થીઓ અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને ભારત બંધનકર્તા નથી તેવી દલીલ કરતા કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે, દેશમાં રહેવા અને સ્થાયી થવાનો અધિકાર ફક્ત નાગરિકોનો છે, શરણાર્થીઓનો નહીં. કેન્દ્ર સરકારે એમ પણ જણાવ્યું કે, ગેરકાયદે ઇમિગ્રન્ટોનો પ્રવેશ દેશના પોતાના નાગરિકોના મૌલિક અને પાયાના અધિકારોનેેે સીધી રીતે જ હાનિકારક છે.
૬. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ આ મામલે સુનાવણી ત્રીજી ઓક્ટોબરે નક્કી કરતા જણાવ્યું હતું કે, અમે પહેલા કાયદાકીય સ્થિતિ જોવા માગીએ છીએ. કોર્ટના અધિકારક્ષેત્રમાં શું છે અને અમે અધિકારક્ષેત્રમાં શું લાવી શકીએ છીએ તે નક્કી કરાશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે રોહિંગ્યા આતંકવાદમાં સામેલ હોવાના પુરાવા માગ્યા હતા.
૭. સંયુક્ત રાષ્ટ્ર હેઠળ નોંધાયેલી બે રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓ મોહંમદ સલીમુલ્લાહ અને મોહંમદ શાકીરની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી જેમાં જણાવાયું હતું કે, તેમનો દેશનિકાલ મૌલિક અધિકાર વિરૂદ્ધનો છે. મોડેથી કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, હવે જે પણ નિર્ણય લેવાનો છે તે સુપ્રીમ કોર્ટ લેશે.
૮. કેન્દ્ર સરકારે ગત અઠવાડિએ એક લેખિત સોગંદનામામાં જણાવ્યું હતું કે, રોહિંગ્યા દેશની સુરક્ષા માટે ખતરો છે અને તેમનો દેશનિકાલ કરવો દેશહિતમાં છે પરંતુ ગુરૂવારે સરકારે જણાવ્યું હતું કે, આ ડ્રાફ્ટ અરજકર્તાઓમાં ખોટી રીતે પહોંચી ગયું હતું.
૯. ભારતમાં આશરે ૪૦,૦૦૦ રોિંહંગ્યા મુસ્લિમો શરણ લઇ રહ્યા છે જેમાં સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી સંસ્થામાં ૧૬,૦૦૦ રોહિંગ્યા નોંધાયેલા છે. સંયુક્ત રાષ્ટ્રની ટોચની માનવ અધિકાર સંસ્થાએ એમ કહેતા ભારત સરકારની ઝાટકણી કાઢી હતી કે, ભારત સામુહિક હકાલપટ્ટી ન કરી શકે અને જ્યાં લોકો ત્રાસદી તથા અન્ય ભયંકર હિંસાનો ભોગ બની રહ્યા છે ત્યાં પણ તેમને ન મોકલી શકે.
૧૦. ભારત સરકારે યુએનની દલીલોનું ખંડન કરતા જણાવ્યું હતું કે, ગેરકાયદે શરણાર્થીઓ દ્વારા સંભવિત સલામતી ખતરો હોવાથી કાયદો લાગુ કરાયો છે જેમાં તે દયાભાવ દાખવી ન શકે. આ દરમિયાન રાજ્ય બાબતોના કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુએ ટિ્વટર પર જણાવ્યું હતું કે, રોહિંગ્યા મુદ્દે ભારતને વિલન ચીતરવા બૂમરાણ થઇ રહી છે.
સરકારી સોગંદનામું : રોહિંગ્યા મુસ્લિમોને શા માટે સરકાર દેશનિકાલ કરવા માગે છે તેના પાંચ કારણો
નવી દિલ્હી, તા. ૧૮
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કરીને જણાવ્યું હતું કે, રોહિંગ્યા મુસ્લિમો દેશની સુરક્ષા માટે ખતરો છે અને તેઓએ મ્યાનમારમાં જવું જ પડશે જોકે, સરકારના આ વલણથી માનવ અધિકારવાદીઓ ગુસ્સે ભરાય તેવી સંભાવના છે.
મોદી સરકાર શા માટે રોહિંગ્યા મુસ્લિમોને દેશનિકાલ કરવા માગે છે આ રહ્યા પાંચ કારણો
૧. ભારતમાં ૪૦,૦૦૦ રોહિંગ્યાઓનું સતત વસી રહેવું રાષ્ટ્રીય સુરક્ષામાં ગંભીર છીંડા સમાન છે.
૨. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, કેટલાક રોહિંગ્યાઓને પાકિસ્તાનના આઇએસઆઇ અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ આતંકવાદીઓનું સમર્થન છે અને તેઓ જમ્મુ, દિલ્હી, હૈદરાબાદ અને મેવાતમાં પ્રવૃત છે તથા ભારતની આંતરિક તથા રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત ગંભીર અને સંભવિત ખતરો હોવાનું જાણવા મળ્યું છે.
૩. રોહિંગ્યા મુસ્લિમો ગેરકાયદે અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે જેમાં હુંડી-હવાલા દ્વારા ભંડોળ ભેગું કરવું પાન અને વોટર આઇડી કાર્ડ જેવા નકલી તથા બનાવટી ભારતીય ઓળખપત્રોનો રોહિંગ્યા માનવ તસ્કરી માટે ઉપયોગ કરી રહ્યા છે.
૪. જો રોહિંગ્યાઓને રહેવા માટે પરવાનગી આપવામાં આવે તો કેન્દ્ર સરકારને ચિંતા છે કે, રોહિંગ્યા આતંકવાદને કારણે સંવેદનશીલ ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં વધુ અસ્થાપિતતા સર્જાશે.
૫. દેશમાં ભારતીય નાગરિકો તરીકે રહેતા બુદ્ધો વિરૂદ્ધ હિંસા વધવાની પણ શક્યતા છે જેમાં કટ્ટરપંથી રોહિંગ્યાઓ તેમના પર હુમલા કરી શકે છે.