(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૫
જોખમવાળી લોન (એનપીએ)ની ગંભીર સમસ્યા સામે ઝઝૂમી રહેલું દેશનું બેન્કિંગ સેક્ટર પોતાના એકાઉન્ટ બૂકને લોન વસૂલ કર નહીં પરંતુ બીજી રીતે વ્યવસ્થિત કરવામાં લાગી ગયું છે. દેશની સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકોએ ફક્ત ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં જ ૧,૪૪,૦૯૩ કરોડ રૂપિયાની લોનોનો ઘાલખાદ્ય ખાતા (રાઇટ ઓફ)માં નાખી દીધી છે. આ આંકડો ૨૦૧૬-૧૭ની સરખામણીએ ૬૧.૮ ટકા વધુ છે. વર્ષ ૨૦૧૬-૧૭માં બેંકોએ કુલ ૮૯,૦૪૮ કરોડ રૂપિયાની લોન ઘાલખાદ્યમાં નાખી દીધી હતી. લોનને ઘાલખાદ્યમાં નાખવાના મામલે સરકારી બેંકોની હિસ્સેદારી ઘણી વધુ છે. આ વર્ષે સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં ફક્ત જાહેર ક્ષેત્રની બેંકોએ જ ૧,૨૦,૧૬૫ કરોડની લોનને ઘાલખાદ્યમાં નાખી દીધી છે. બીજી તરફ ખાનગી બેંકોએ ૨૩,૯૨૮કરોડની લોનને ઘાલખાદ્યમાં નાખી દીધી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં પણ સરકારી બેંકોએ જ સૌથી વધુ લોન ઘાલખાદ્યમાં નાખી હતી. જાહેર ક્ષેત્રની બેંકોએ જ્યાં ૭૫,૯૨૯ કરોડ રૂપિયાને ઘાલખાદ્યમાં નાખ્યા હતા જ્યારે ખાનગી બેંકોએ ફક્ત ૧૩,૧૧૯ કરોડની લોન ઘાલખાદ્યમાં નાખી હતી. ટોચની સમાચાર એજન્સી માટે રેટિંગ એજન્સી આઇસીઆરએ દ્વારા તૈયાર કરાયેલા આંકડાઓથી આ ખુલાસો થાય છે. ઉલ્લેખનીય છે કે, ઘાલખાદ્યમાં એવી લોનને નાખવામાં આવે છે જેની વસૂલી શંકાસ્પદ થઇ જાય છે. જોકે, આ પગલાં ભર્યા બાદ બેંકો લોનની વસૂલી માટે પોતાના પ્રયાસ જારી રાખે છે. નિષ્ણાતો અનુસાર લોનને ઘાલખાદ્યમાં નાખવાથી તે બેંકના એકાઉન્ટમાંથી બહાર થઇ જાય છે.
આરબીઆઇના પૂર્વ ડેપ્યુટી ગવર્નર કેસી ચક્રવર્તી બેંક લોનને ઘાલખાદ્યમાં નાખવાની પ્રક્રિયાને કૌભાંડ ગણાવે છે. તેમણે કહ્યું કે, ટેકનિકલ રાઇટ ઓફ જેવી કોઇ વસ્તુ હોતી જ નથી. તે અપારદર્શી છે અને તેને કોઇ નીતિ વિનાજ અંજામ આપવામાં આવે છે. આ સાથે જ ક્રેડિડ રિસ્ક મેનેજમેન્ટનું માળખું પણ તબાહ થઇ જાય છે અને બેંકિંગ પ્રણાલીમાં તમામ પ્રકારની ખોટી બાબતો આવવા લાગે છે. એ બાબત યોગ્ય રીતે જણાવવી જોઇએ કે, લોનની કેટલી રકમ ઘાલખાદ્યમાં નાખવામાં આવી રહી છે કેમ કે, તમે જનતાની રકમને ઘાલખાદ્યમાં નાખી રહ્યા છો. આ એક મોટું કૌભાંડ છે. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ ૨૦૧૮માં એનપીએની રકમ ૧૦.૩ લાખ કરોડ સુધી પહોંચી ચુકી છે.