ગાંધીનગર,તા.૨૩
ગાંધીનગર અને અમદાવાદીઓને હવે સિંહદર્શન માટે હવે કાંકરિયા ઝુ સિવાયનું નવું ઠેકાણું મળી રહ્યું છે. અમદાવાદથી માત્ર રપ કિલોમીટર દૂર હવે અમદાવાદીઓને ગાંધીનગરના પ્રકૃતિ ઉદ્યાનમાં એશિયાટિક સિંહ પણ જોવા મળવાના છે. ગીરના સક્કરબાગ ઝૂ ખાતેથી એક સિંહનું સોમવરના રોજ આગમન થયું છે જ્યારે તેની જોડીદાર સિંહણને ૭ દિવસ બાદ ઈન્દ્રોડાપાર્ક પ્રકૃતિ ઉદ્યાન લવાશે. દિવાળી વેકેશનના દિવસો દરમિયાન એટલે કે ૯ નવેમ્બર આસપાસ સિંહજોડીને જોઈ શકાશે. સિંહના આગમન બાદ તેને વાતાવરણને અનુકુલિત કરવા માટે સંપૂર્ણ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે તેથી દિવાળીના તહેવાર પછી તેમને લોકો સમક્ષ એટલે કે, ઇન્દ્રોડા પાર્કમાં નિહાળવા માટે મૂકવામાં આવશે. આગામી ૧પ દિવસ સુધી સિંહને નિરીક્ષણ હેઠળ રખાશે. ત્યારબાદ બાદ લોકો સિંહને જોઈ શકશે, કારણ કે પ્રકૃતિ ઉદ્યાનમાં એશિયાટિક સિંહની જોડી લાવવામાં આવી છે. તે જોડી જૂનાગઢના સક્કરબાગમાંથી લાવવામાં આવી છે. રાજ્યના પાટનગરમાં પહેલીવાર આ જોડી આવી રહી હોવાના કારણે પ્રાણીસંગ્રહાલયના નિષ્ણાત તબીબોએ પણ તેની ચકાસણી હાથ ધરી છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગાંધીનગર ખાતે આવેલા ઈન્દ્રોડાપાર્કમાં સિંહને રાખવાની મંજૂરી આપી છે.