અમદાવાદ, ૨૫
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટના બંગલા આગળના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો હતો. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને હાઈકોર્ટે ઝટકો આપ્યો હતો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ડિમોલીશન બાબતે રાહત આપી છે. સવારે હાઈકોર્ટે આદેશ આપી જણાવ્યું હતું કે પાડોશીઓને હેરાનગતિ પણ થઈ રહી છે તથા આ ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારવાના જજમેન્ટ પર સ્ટેની માગણી પણ હાઈકોર્ટ દ્વારા ફગાવાઈ હતી. આ અંગેની વિગત એવી છે કે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટે અમદાવાદ શહેરના ડ્રાઈવ-ઈન-રોડ વિસ્તારના સુશીલનગરમાં આવેલ તેમનાં બંગલામાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. જેથી સંજીવ ભટ્ટના પાડોશીઓએ તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સંજીવ ભટ્ટના ઘરની બાઉન્ડ્રી વોલનો આધાર લઈ તેમણે બે માળનું બાંધકામ કર્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનને આ બાંધકામ ગેરકાયદેસર લાગતા સંજીવ ભટ્ટને નોટિસ આપી હતી કે આગામી ૩ દિવસની અંદર વાંધાજનક બાંધકામ દૂર કરવામાં નહીં આવે તો કોર્પોરેશન બાંધકામ તોડી પાડશે તે પછી કોર્પોરેશને પણ કોઈ કામગીરી કરી નહોતી અને સંજીવ ભટ્ટે પણ ત્યાં બે માળનું બાંધકામ કરીને ત્યાં કિચન, બેઠકરૂમ અને સર્વન્ટ ક્વાટર બનાવી દેવામાં આવ્યા હતાં. જેથી તેમના પાડોશીએ હાઈકોર્ટમાં પીટીશન કરીને દાદ માંગી હતી. ત્યારબાદ કોર્ટની પ્રક્રિયા બાદ બુધવારના રોજ સંજીવ ભટ્ટને હાઈકોર્ટે ઝટકો આપ્યો હતો અને હાઈકોર્ટે એએમસીને દીવાલ તોડી પાડવાનો આદેશ પણ કર્યો હતો, તથા આ કેસ મામલે સુપ્રીમ કોર્ટે સંજીવ ભટ્ટને રાહત આપી છે.