Site icon Gujarat Today

ઈકબાલ કાસકરના ખંડણી રેકેટ સાથે દાઉદની સાંઠગાંઠની તપાસ થશે : પોલીસ

(એજન્સી) મુંબઈ,તા.૧૯
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાઈમના નાના ભાઈ ઈકબાલ કાસકરની ઠાણે પોલીસ ધરપકડના એક દિવસ બાદ પોલીસે આજે એવું કહ્યું કે ઈકબાલ કાસકરના ખંડણી રેકેટ સાથે દાઉદની સાંઠગાંઠની તપાસ થશે. કાસકરને બળજબરીપૂર્વક ખંડણી અને ધમકીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં બોલતાં પોલીસ કમિશનરે કહ્યું કે અમને છેલ્લા કેટલાક સમયથી બાતમી મળતી હતી કે દાઉદ ગેંગ અમારા વિસ્તારમાં સક્રિય છે. દાઉદ ઈબ્રાઈમના ભાઈ ઈકબાલ કાસકરને તેની બહેનના ઘેરથી પકડવામાં આવ્યો. તેમણે કહ્યું કે ખંડણીની રકમ ફ્લેટ તરીકે લેવામાં આવતી હતી. પોલીસે કહ્યું કે અમે તેની પર એક મજબૂત કેસ બનાવી રહ્યાં છીએ. પોલીસ કમિશનરે કહ્યું કે ઘણા સ્થાનિક નેતાઓ અને કોર્પોરેટરોના પણ નામો આવ્યાં છે, તેમની સામે પણ તપાસ કરવામાં આવશે. પોલીસ વધારેમાં વધારે લોકોને કસ્ટડી લેવાનો પ્રયાસ કરશે. આ કેસમાં દાઉદ સંડોવાયેલો છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો મની લોન્ડરીંગની વાત આવશે તો અમે ઈડીની પણ મદદ લઈશું. તેમણે કહ્યું કે જે ધમકીઓ આપવામાં આવી, તે દાઉદ ગેંગને નામે આપવામાં આવી. બહારથી શાર્પ શૂટરો પણ બોલાવવામાં આવ્યા હતા. જે રીતે અમને પુરાવા મળી રહ્યાં છે અમે તે પ્રમાણે તપાસ કરીશું. તેમણે કહ્યું કે મુમતાઝ અને ઈસરાર ડરાવવા-ધમકાવવાનું કામ કરતા હતા. તેની સાથે તેઓ ઈકબાલ કાસકર સાથે પણ વાત કરાવતા હતા. સૂત્રોએ કહ્યું કે ઈકબાલ કાસકરે એક બિલ્ડરને ફોન પર ખંડણીની ધમકી આપી હતી. આ બિલ્ડર પાસેથી પહેલેથી જ ચાર ફ્લેટ પડાવનાર કાસકર તેમની પાસેથી વધારે રૂપિયા પડાવવા માંગતો હતો.

Exit mobile version