ઈરાકના કુર્દિશ વિસ્તારમાં અમેરિકી સેના નવા બેઝની સ્થાપના કરી રહ્યું છે : અહેવાલ

(એજન્સી) તા.રપ
અમેરિકી સેના ઇરાકના અર્ધ સ્વાયત્ત વિસ્તાર કુર્દિસ્તાનમાં કાયમી ધોરણે નવા સૈન્ય બેઝની સ્થાપના કરવા જઇ રહ્યું છે. અમેરિકા આ પગલાં દ્વારા કબજો કરેલા વિસ્તારમાં વધુ શાશ્વત બનવા માગે છે. જોકે ઘણા લોકો આ સૈન્ય બેઝનો વિરોધ કરી રહ્યાં છે. ઇરાનના કુર્દિશ ભાષાના રુદો ટેલિવિઝન નેટવર્કે મંગળવારે માહિતી આપી હતી કે ઝુમ્માર જિલ્લાના કારીઝ વિસ્તારમાં આ સૈન્યમથકની સ્થાપના કરવામાં આવી રહી છે જે મોસુલથી ઉત્તરપશ્ચિમે લગભગ ૬૦ કિમીના અંતરે આવેલ છે. મળતી માહિતી મુજબ આ સૈન્યમથકની બાંધકામની કામગીરી લગભગ ૬૦ ટકા સુધી પૂર્ણ પણ થઇ ગઈ છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે આ સૈન્યમથકે લગભગ ૧ર૦ અમેરિકી સૈનિકો અને ૩૦૦ જેટલી લોન્ગ રેન્જ આર્ટીલરી સિસ્ટમ પણ તહેનાત કરવામાં આવી છે. કુર્દિસ્તાન ડેમોક્રેટિક પાર્ટીના અધિકારી હસ્સાન ખાલો અલીએ જણાવ્યું કે લગભગ ર૦ એકર જેટલી જમીન પર સૈન્ય મથકની બાંધકામની કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકો કહે છે કે આ વિસ્તારમાં નિયમિત રીતે હેલિકોપ્ટરો ઉડાન ભરી રહ્યાં છે અને સામાન્ય વ્યક્તિને આ વિસ્તારમાં જવા પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇરાકના કુર્દ વિસ્તારમાં અમેરિકા દ્વારા આ પાંચમી વખત કોઇ નવા સૈન્યમથકની સ્થાપના કરવામાં આવી રહી છે. કુર્દિશ સેનાના અધિકારીએ જણાવ્યું કે અમેરિકી અધિકારી, કેઆરજીના અધ્યક્ષ મસુદ બરઝાની તેમજ પેશમર્ગાના અધિકારીઓ વચ્ચે ત્રિપક્ષીય કરાર થયો છે. એ મુજબ આ બેઝનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. કુર્દિશ અધિકારી કહે છે કે તેની મદદથી અમેરિકા વધુ મજબૂત થશે અને તે આ વિસ્તારોમાં થતી પ્રવૃત્તિઓ પર નજર રાખી શકશે. તેની પહોંચ હવે વેસ્ટ બેન્કની ટાઇગ્રિસ નદીથી તલ અફાર શહેર સુધી રહેેશે. તમને જણાવી દઇએ કે અગાઉ હરીર અને ખાઝિર વિસ્તારમાં પણ અમેરિકી સૈન્ય મથકો આવેલા છે. જોકે હવે પછી યોજાનાર રેફરન્ડમને પણ લંબાવાયો છે જે આગામી મહિનાના અંત સુધી યોજાઇ શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks