(એજન્સી)
નવી દિલ્હી, તા. ૨૬
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે લોકસભામાં એવું જણાવ્યું કે મોસુલમાં લાપતા બનેલા ૩૯ ભારતીયો જીવિત હોવાની મારી પાસે કોઈ સાબિતી નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી પાકા પુરાવાઓ મળશે નહીં ત્યાં સુધી કેન્દ્ર સરકાર ભારતીયોની શોધ ચાલુ રાખશે. તેમણે વિપક્ષી સાંસદોને જવાબ આપતાં કહ્યું કે હું કોઈ પણ પુરાવા વગર કોઈને પણ મરેલા જાહેર કરવાનું પાપ ન કરી શકું. સુષમાએ કહ્યું કે મેં લાપતા બનેલા ભારતીયોની બાબતમાં સંસદમા કોઈ ખોટી માહિતી આપી નથી. મેં કદી પણ કહ્યું નથી કે તેઓ જીવિત છે કે મરી ગયાં છે. વિદેશ મંત્રીએ કહ્યું કે અમારી સરકાર સત્તા પર આવ્યાંના વીસ દિવસ પછી મોસુલમાંથી બચીને આવનાર હરજીતથી આપવીતીથી આપણને આની જાણ થઈ છે. હરજીતે કહ્યું હતું કે ૪૦ લોકો આઈએસના બંધક હતા હું એકલો જ બચ્યો છું. મોસુલમાંથી ઈરબિલ જવાના રસ્તામાં બધાને મારી નાખવામાં આવ્યા હતા. મેં તરત જ નિર્દેશ આપ્યો કે તે વિસ્તારનો ખૂણે ખૂણે શોધવામાં આવે જેથી કરીને લાશ મળે. સામાન્ય રીતે જ્યારે આઈએસ વાળા સૂચિ કાઢતાં હોય છે ત્યારે તસવીર પણ બહાર પાડતાં હોય છે. લાશ પણ મળી નથી કે ખૂનના ડાઘ પણ જોવા મળ્યા નથી. સ્વરાજે કહ્યું કે સંસદની સૂચના પ્રમાણે મેં આ કેસને આગળ વધાર્યો હતો. તેમણે કહ્યું કે ૨૪ નવેમ્બર ૨૦૧૪ના રોજ સત્રમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે નોટીસ આપી નહોતી. તેમ છતાં પણ મેં આ વાતનો જવાબ આપ્યો હતો. ભારતીયોની શોધ માટે જે પણ કાર્યવાહી કરવામાં આવી તેની માહિતી સંસદને આપવામાં આવી હતી. સંસદની અનુમતિ લીધા પછી જ આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી હતી. મેં ઉચ્ચસ્તરીય સૂત્રોને ધ્યાનમાં રાખીને આ કેસની તપાસ આગળ વધારવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમારા ૬ સૂત્રો એવી માહિતી આપી રહ્યા છે કે ૩૯ ભારતીયોની હત્યા થઈ નથી. શું મેં કોઈએ કંઈ કીધું કે તેઓ માર્યા ગયાં છે. કોઈ પણ સાબિતી વગર તેમને મરેલા જાહેર કરવાનું પાપ મારાથી ન થઈ શકે.