(એજન્સી) તહેરાન,તા.૧૦
આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ એક વીડિયો જાહેર કરી ઇરાનના પાટનગર તહેરાનમાં નવા હુમલા કરવાની ધમકી આપતાં ઇરાનના યુવાઓને દેશમાં જેહાદ માટે આગળ આવવા આહ્વાન કર્યુ છે. વીડિયોમાં બતાવાયું છે કે એક આતંકવાદી તેના ચહેરા પર કાળો માસ્ક પહેરે છે અને હાથમાં એકે-૪૭ પકડીને બે અન્ય આતંકવાદીઓ સાથે બાજુમાં બેસેલો છે. વીડિયોમાં આઇએસ ન્યૂઝ એજન્સીના અમાકનો લોગો પણ લગાવેલો છે તેમાં તહેરાનના એ બે સ્થળો દર્શાવાયા છે જ્યાં આઇએસએ જૂનમાં હુમલો કર્યો હતો. કાળો માસ્ક પહેરેલ આતંકવાદી ફારસીમાં કહે છે કે જેવી રીતે અમે ઇરાક અને સીરિયામાં કૂતરાના ગળા કાપ્યા છે એવી જ રીતે હવે તહેરાનમાં પણ કાપીશું. આઇએસે તહેરાનની સંસદ પર હુમલાની જવાબદારી પણ સ્વીકારી છે. આ હુમલામાં ૧૮ લોકોનાં મોત થયા હતા. વીડિયોમાં અન્ય ભાગમાં કાળા માસ્ક પહેરેલા આતંકવાદી અરબી ભાષામાં ઇરાક પર હુમલો કરવાની ધમકી આપી રહ્યાં છે.