(એજન્સી), તા.૧૯
કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)એ મંગળવારે સ્પે.સીબીઆઈ કોર્ટમાં ખુલાસો કરતા જણાવ્યું કે, ગુજરાત સરકારે ઈશરત જહાં અને ત્રણ અન્યના કથિત બનાવટી એન્કાઉન્ટર કેસમાં નિવૃત્ત પોલીસ અધિકારીઓ ડી.જી. વણઝારા અને એન.કે. અમીનની સામે કેસ ચલાવવાની પરવાનગી આપવા ઈનકાર કર્યો છે. સીબીઆઈની સ્પે. કોર્ટના જજ જે.કે. પંડ્યાની કોર્ટમાં સીબીઆઈના વકીલ આર.સી. કોડેકર દ્વારા સોંપાયેલ એક પત્રને વાંચ્યા પછી કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારે પૂર્વ પોલીસ અધિકારીઓ સામે કેસ ચલાવવા માટે પરવાનગી આપવાન ઈનકાર કર્યો છે. આ પોલીસ અધિકારીઓ આ કેસમાં ઈપીકોની કલમ ૧૯૭ હેઠળ આરોપીઓ છે. બચાવ પક્ષના વકીલે બંને પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી પાછી ખેંચવા અરજી દાખલ કરવા કોર્ટ પાસેથી પરવાનગી માંગતા કોર્ટે એનો સ્વીકાર કરી એમને ર૬મી માર્ચે અરજી દાખલ કરવા જણાવ્યું. આ પહેલાં કોર્ટે બંને પૂર્વ અધિકારીઓને ડિસ્ચાર્જ કરવાની માગણી કરાયેલ અરજીને રદ્દ કરતા સીબીઆઈને આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું હતું કે, શું તેઓ પૂર્વ અધિકારીઓ સામે કેસ ચલાવવા રાજ્ય સરકાર પાસેથી પરવાનગી મેળવવા ઈચ્છે છે ? આ પછી સીબીઆઈએ રાજ્ય સરકારને કેસ ચલાવવા પરવાનગી માંગતો પત્ર લખ્યો હતો. વણઝારા અને અમીન એ સાત આરોપીઓમાં સામેલ છે. જેમની સામે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી હતી.