ઈસ્લામી વિચારધારા જ માનવજાતની તમામ સમસ્યાનું સમાધાન : સૈયદ કાસીમ અશરફ (બાબાસાહેબ)

શરિયત માટે જાન આપવાની વાતો કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે

(સંવાદદાતા દ્વારા)                                                   અમદાવાદ,તા.રર

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા  શરિયતના કાનૂનમાં હસ્તક્ષેપ કરવાના અને પાછલા બારણે સમાન સિવિલકોડ લાવવાના જે પ્રયત્નો કરવામાં આવ્યા છે તેનાથી દેશભરમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે.  જેમને શરિયત શું છે તે પણ ખબર નથી તેવા લોકો જાન આપી દઈશું, કુર્બાન  થઈ જઈશું, લોહી વહાવી દઈશું તેવા નિવેદનો કરી મુસલમાનોની લાગણીઓ સાથે રમત રમી રહ્યા છે. આ અંગે દુઃખ વ્યકત કરતા સુપ્રસિધ્ધ આલીમેદીન ઔલાદે ગૌષેઆઝમ સૈયદ મુહમ્મદ કાસીમ અશરફ અશરફીયુલ જીલાની કિછૌછવી ઉર્ફે બાબા સાહેબે ગુજરાત ટુડે સાથેની ખાસ વાતચીતમાં તેમની લાગણી વ્યકત કરી હતી.  નાસીક અને પશ્ચિમ બંગાળ બાદ હાલ ગુજરાતની મુલાકાતે પધારેલા બાબા સાહેબે પોતાની લાગણીઓને ઠાલવતા વ્યથિત હૃદયે જણાવ્યું હતું કે, મુસલમાનો પોતાની લાગણીઓ પર કાબૂ રાખે તે જરૂરી છે. પ્રથમ તેઓ દીન પર અને શરિયત પર પાબંદીથી અમલ કરે તો કોઈપણ સરકાર શરિયતના કાનૂનમાં દખલગીરી નહીં કરી શકે. જાન આપીશું, કુર્બાન થઈ જઈશું એવી વાતોથી માહોલ ખરાબ થાય છે.  ઈસ્લામ ખાતર જાન આપનારા કે કુર્બાન થનારા  શોહદાએ કરબલા, શોહદાએ બદ્ર, શોહદાએ ઓહદ, શોહદાએ ઈસ્લામ, સૈયદ સાલાર મસઉદગાઝી, હઝરત સુલતાન સલાઉદ્દીન ઐયુબી વગેરે દીન અને  શરિયત પર પાબંદીથી અમલ કરતા રહ્યા હતા અને જરૂર પડયે કુર્બાની આપી હતી.

ત્રણ તલાકના મુદ્દા અંગે તેમણે જણાવ્યું હતું કે, ઈસ્લામી શરિયત મુજબ પતિ-પત્ની વચ્ચે અણબનાવ બને તો બંને પક્ષના વડીલો ભેગા મળી સુલેહના  પ્રયત્નો કરે છે. તેમ  છતાં કોઈ મનમેળ નથી થતો  ત્યારે શરિયતના કાનૂન મુજબ એક તલાક આપી સુધરવાની તક આપવામાં આવે છે. તેમ છતાં કોઈ રસ્તો નથી નીકળતો ત્યારે બીજી તલાક અને છેવટે  પતિ-પત્ની વચ્ચે મનમેળની કોઈ જ સૂરત નજર નથી આવતી  ત્યારે જ અંતિમ શસ્ત્ર તરીકે ત્રીજી તલાકનો હુકમ છે. પરંતુ મુસલમાનો શરિયત પર અમલ કરતા નથી ત્યારે જ સમસ્યાઓ ઊભી થાય છે માત્ર શરિયતની વાતો કરવાથી ભલું થવાનું નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઈંગ્લેન્ડમાં સમાન સિવિલકોડ છે ત્યાં તલાકનો રેશિયો સૌથી વધુ છે. કુંવારી કન્યા અને તલાકવાળી સ્ત્રીઓની સંખ્યા લગભગ સરખી છે. આથી ઈસ્લામમાં કે જે અલ્લાહે બનાવેલો કાનૂન છે તે જ સર્વશ્રેષ્ઠ છે. અલ્લાહે અમને બનાવ્યા અને અમારા માટે દીનને બનાવ્યો આથી અલ્લાહે બનાવેલા દીન પર દુનિયા ચાલે તો તમામ સમસ્યાઓનું સમાધાન થઈ જશે. મુસલમાનોને ઉદ્દેશીને સૈયદ કાસીમ અશરફે જણાવ્યું હતું કે, દરેક મુસલમાન નમાઝનો પાબંદ થઈ જાય તો મોટા ભાગની સમસ્યાનો હલ આવી જશે. કારણ કે નમાઝ માટે શરીર, કપડું અને જગ્યા પાક હોવી જોઈએ. પાક થઈ નમાઝ પઢીશું કે અલ્લાહની બંદગી કરીશું તો વિચારો પાક થઈ જશે. વિચારો પાક થશે તો તમારૂં આચરણ કે વર્તન પાક થઈ જશે અને તમારૂ વર્તન, આચરણ કે અખલાક પાક હશે તો આખો સમાજ પાકિઝા થઈ જશે. આથી દરેકે દરેક મુસલમાને પોતે પોતાના બાળકો, પત્ની, ભાઈ-બહેન તમામને નમાઝના પાબંદ બનાવવા જોઈએ તો જ અમારૂં ઘર એક આદર્શ ઘર બની જશે અને ધીમે ધીમે આખો સમાજ આદર્શ બની જશે. અમે નમાઝને છોડી દીધી  એટલે જ સમસ્યાઓ પીછો છોડતી નથી. પરંતુ નમાઝની રસ્સીને મજબૂતીથી પકડી રાખશો તો તમારે કુર્બાન થવાની કે જાન આપવાની વાતો કરવી જ નહીં પડે, ઉલ્ટાનું તમારૂં આચરણ જોઈ લોકો તમારી પર કુર્બાન થવા તૈયાર થઈ જશે.

 

માત્ર કાળું નાણું રોકવાથી દેશની પ્રગતિ નહીં થાય, લોકોના મનમાંથી કાળાશ દૂર કરવી જોઈએ : સૈયદ કાસીમ અશરફ

કોઈપણ દેશની પ્રગતિ શાંતિ, સલામતી, એકતા, ભાઈચારાના કારણે જ શકય બને છે. કાળુંનાણું દેશની સમસ્યા જરૂર છે પરંતુ દેશની પ્રગતિનો હલ માત્ર કાળું નાણું રોકવાથી નહી થાય, તે માટે મનનું કાળાપણું એટલે કે મેલ દૂર કરવો પડશે. ભારત દેશમાં જે દિવસે જાતિવાદ, કોમવાદ ખત્મ થઈ જશે અને દેશ આખામાં શાંતિ, સલામતી અને ભાઈચારાની ભાવના પ્રસરી જશે ત્યારે દેશની પ્રગતિને કોઈ રોકી શકશે નહીં અને હિન્દુસ્તાન વિશ્વની મહાસત્તાઓની હરોળમાં આવી જશે, એમ સૈયદ મુહમ્મદ કાસીમ અશરફ અશરફીયુલ જીલાની ઉર્ફે બાબા સાહેબે ગુજરાત ટુડેને જણાવ્યું હતું. ભારત મીની વર્લ્ડ છે તેમાં જંગલો, પહાડો, રણ, ખનીજો, ખૂબસુરતી જેવી વિશ્વની તમામ નેઅમતો સમાયેલી છે. એટલે જ અલ્લામા ડો. ઈકબાલે કહ્યું હતું કે ‘સારે જ્હાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા’ આથી હિન્દુસ્તાનને આજે ખરેખર  વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બનાવવું હશે તો જાતિવાદ, કોમવાદને ભુલી માનવતાવાદનો સંદેશો ફેલાવવો પડશે. તો જ દેશમાં શાંતિ, સલામતી, સદભાવના ભાઈચારો ફેલાશે. અને એ માટે દરેકે દરેક હિન્દુસ્તાનીએ પ્રયત્નો કરવા પડશે. દેશમાં શાંતિ સલામતી સદભાવના માટે રાજકારણીઓથી અપેક્ષા  રાખી શકાય નહીં તેઓને તો જાતિવાદ અને કોમવાદના નામે લોકોને લડાવવામાં જ રસ હોય છે. આથી તેમના કારણે દેશ નબળો પડતો જાય છે.  આથી તમામ ધર્મ અને જાતિના બુધ્ધિજીવીઓએ આગળ આવી પ્રયત્નો કરવા જોઈએ. હાલ દેશનો મોટા ભાગનો ખર્ચ વીજળી, પાણી, ખેતીને બદલે સંરક્ષણ પાછળ ખર્ચાય છે. આથી દેશના ધનને બચાવવા પણ દરેક હિન્દુસ્તાનીએ દિલમાં દર્દ પેદા કરી પ્રયત્નો કરવા જોઈએ. હાલ દેશ આખો જૂની કરન્સીને નવીકરન્સીમાં તબદીલ કરવા લાગી ગયો છે. તે અંગે દુઃખ વ્યકત કરતા બાબા સાહેબે જણાવ્યું હતું કે, જો મુસલમાનો દ્વારા નાણાં સામાજિક કામોમાં ગરીબો પાછળ વાપરવામાં આવે તો ગરીબોનું ભલું તો થશે પરંતુ આખેરતમાં પણ આ કરન્સી કામ આવશે.  આ અગાઉ વડાપ્રધાન મોરારજી દેસાઈના સમયમાં પણ કાળુનાણું ડામવા મોટી  કરન્સી બંધ કરવામાં આવી હતી. શું તેનાથી કાળુનાણું બંધ થયું ?  ઉલ્ટાનું ડબલ તાકતથી એકઠું થયું હતું. આના કરતા તો પ્રજા પર જે કમરતોડ ટેક્ષના બોજા નાખવામાં આવ્યા છે તે હળવા કરવામાં આવે તો લોકો ટેક્ષ બચાવવા હવાતિયાં નહીં મારે જેથી સરકારને પૂરો ટેક્ષ મળી શકશે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, મુસલમાન દેશને વફાદાર છે અને રહેશે, આઝાદી અપાવવામાં પણ  હજારો મુસલમાનોએ કુરબાની આપી છે. મુસલમાન દુનિયામાં જીવે છે ત્યાં સુધી દેશને વફાદાર બની જીવે છે અને મરે છે ત્યારે પણ જમીનમાં દફન થઈ દેશની જમીનને મજબૂત બનાવે છે કારણ કે બાયોલોજીની પધ્ધતિ મુજબ હાડકાં અને માંસ માટી સાથે ભળવાથી જમીન ફળદ્રુપ અને મજબૂત બને છે. આથી મુસલમાન મર્યા બાદ પણ  પર્યાવરણનું જતન કરી વફાદારી નિભાવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts