ઈસ્લામમાં સ્ત્રીઓના હક અને શરિયતમાં હસ્તક્ષેપ કરનારાઓને સણસણતો જવાબ
(સંવાદદાતા દ્વારા) ભૂજ,તા.૧
તાજેતરમાં ભૂજ ખાતે ‘જશ્ને મુજહિદે આઝમ આલા હઝરત વ તહફફુઝે શરિયત’ યોજાઈ ગયો. જેમાં આલા હઝરત રહમતુલ્લાહ અલયહેના ફઝાઈલ બયાન કરવામાં આવ્યા હતા. તેમજ ઈસ્લામમાં મહિલાઓના અધિકાર, સ્થાન અને મરતબો પર વિગતે બયાન થયા હતા. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા શરિયતમાં હસ્તક્ષેપની બાબતને વખોડી કાઢવામાં આવી હતી. જેમાં સૈયદ અલહાજ સલીમબાપુ હાજી જહાંગીર શા (વિંઝાલ)એ પોતાના અભ્યાસુ ખિતાબમાં ઈસ્લામમાં મહિલાઓના અધિકાર, સ્થાન અને મરતબા પર વિગતવાર છણાવટ કરતા કહયું હતું કે, યુરોપ-અમેરિકાના આજના વિકસિત દેશોએ મહિલાઓને ૧૮થી ર૦મી સદી દરમ્યાન સમાન અધિકાર આપ્યા છે તે અગાઉ તેમના માટે મહિલાઓ માત્ર મનોરંજનનું સાધન હતી. જયારે ઈસ્લામે ૧૪ સદીઓ અગાઉ મહિલાઓને વિવિધ સમાન હકો આપ્યા છે ૧૪ સદીઓ અગાઉ મુસ્લિમ મહિલાઓ (સહાબિયાત) ઈસ્લામી લશ્કર સાથે યુધ્ધ મેદાનમાં રહેતી જયારે અમેરિકાએ સ્ત્રીઓને યુધ્ધ મેદાનમાં ઉતારવાનો નિર્ણય ૧૯૭૬માં લીધો છે. સલીમ બાપુએ વધુમાં કહયું હતું. ભ્રુણ હત્યાનો વિરોધ આજે થાય છે જયારે ઈસ્લામે ૧૪૦૦ વર્ષ પહેલા બાળકીઓની હત્યાને હરામ ઠેરવી છે. જન્મસિધ્ધ હકો, માનવતા, ન્યાયીક, સામાજિક અને વ્યાપારિક હકો ઈસ્લામમાં મહિલાઓને સમાન આપવામાં આવ્યા છે. તેમ જણાવી દરેક મુદ્દાનું સંદર્ભ સાથે વિગતવાર વર્ણન કર્યું હતું. જન્નત માનાં કદમો નીચે છે તેમ ઈસ્લામમાં કહેવામાં આવ્યું છે આનાથી વધુ સ્ત્રીઓના હકો હોય તો જણાવો. ઈસ્લામમાં કહેવાયુ છે કે, તમારામાંથી શ્રેષ્ઠ તે છે જે પોતાની પત્ની માટે સારો હોય વર્તમાન સમયે ભારતમાં ઈસ્લામના કાયદામાં ફેરફારની વાતો કરનારાઓનું જીવન જોઈ લો બીજું કશું વિચારવાની જરૂર નહીં પડે. ઈસ્લામ સંપૂર્ણ દીન છે અને તેના કાયદો વ્યવસ્થાથી સારી વ્યવસ્થા ઈસ્લામ વિરોધીઓ લાવી નથી શકતા માટે તેઓ ઈસ્લામના કાયદામાં બગાડ પેદા કરવા માગે છે અને તેને બદલવાની પેરવી કરી રહયા છે. આવું અંગ્રેજોના સમયમાં પણ થયું છે.ત્યારે પણ અંગ્રેજો શરિયતમાં કોઈ ફેરફાર કરી શકયા ન હતા.