ઈઝરાયેલને હજ માટે સઉદી જવા સીધી ફ્લાઇટની વ્યવસ્થા આપો : મંત્રી

(એજન્સી) તા.૧૪
બંને દેશો વચ્ચેની તંગદિલીને જોતાં પણ ઇઝરાયેલી કોમ્યુનિકેશન મંત્રી અયૂબ કારાએ જણાવ્યું કે સઉદી અરબે ઇઝરાયેલના હજયાત્રીઓ માટે સીધી ફ્લાઇટની વ્યવસ્થા કરી આપવી જોઈએ જેથી તેમના સંબંધોમાં સુધારો જોવા મળે અને હાજીઓને તકલીફ ન પડે. બ્લૂમબર્ગને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે મને આશા છે કે ઇઝરાયેલી મુસ્લિમો માટે તેલ અવીવના બેન ગ્યુરિયન એરપોર્ટ ખાતેથી સઉદી અરેબિયા માટે સીધી ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવશે. અગાઉ આ લોકોને ૧૦૦૦ માઇલની યાત્રા કરીને બસ મારફતે જોર્ડન નદી, સઉદી અરબના રણમાં થઈને પવિત્ર મક્કા સુધી પહોંચવાનું હતું. આ કારણે હાજીઓને ભારે મુશ્કેલી સહન કરવી પડતી હતી. તેમણે કહ્યું કે હવે વાસ્તવિકતા બદલાઇ ગઇ છે. આ સારો સમય છે વિનંતી કરવાનો. હું આ ફ્લાઇટ માટે મરણિયા પ્રયાસો કરીશ. કારાએ વધુમાં કહ્યું કે મેં સઉદી અરબ, જોર્ડન તથા અન્ય દેશો સાથે હજ વિમાન વિશે અધિકારીઓ સાથે ચર્ચા કરી લીધી છે. તેમણે કહ્યું કે તેઓ પણ આ વિમાનની યોજના માટે રાજી છે અને તેમણે સંવેદનશીલતા દાખવતા આ મુદ્દાને ઝડપથી ઉકેલવા સહમતિ આપી છે. તેમણે ધ્યાન દોરતાં કહ્યું કે તેલ અવીવથી મક્કાની સીધી ફ્લાઈટ એક આદર્શ સમાન બની રહેશે. પરંતુ હાલ જોર્ડન સહિત અન્ય દેશોમાં તેનું રોકાણ અડચણ સમાન બની રહે છે. તેમણે કહ્યું કે સઉદી અરબના અધિકારીઓ સાથે અમે અન્ય મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરી રહ્યાં છીએ. એક અંદાજ અનુસાર લગભગ ૬૦૦૦ ઇઝરાયેલીઓ દર વર્ષે પવિત્ર હજયાત્રાએ અરબ જાય છે. સઉદી અરેબિયા અને ઇઝરાયેલ વચ્ચે કોઇ ડિપ્લોમેટિક સંબંધો નથી અને બંને દેશો વચ્ચે કોઇ એરલિંક પણ નથી. પરંતુ તાજેતરના વર્ષોમાં આ દિશામાં સફળતા જોવા મળી રહી છે. ગત મહિને ઇઝરાયેલી સૈન્ય બાબતોના મંત્રી એવીગ્ડોર લિબરમેને કહ્યું હતું કે અરબ દેશો સાથે કરાર થશે, જેમાં સઉદી અરબનો પણ સમાવેશ કરીશું. જોકે ઇઝરાયેલના ટ્રાન્સપોર્ટેશન અને ઇન્ટેલિજન્સ મંત્રી યિઝરાયલ કાત્ઝે સઉદી કિંગ સલમાનને વિનંતી કરી હતી કે તેઓ ઇઝરાયલી વડાપ્રધાનને રિયાધની મુલાકાત લેવાની તક આપે. તેમને આમંત્રણ આપે જેથી બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક સંબંધોની શરુઆત કરી શકાય.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks