(એજન્સી) જેરૂસલેમ, તા.ર૮
ઈઝરાયેલી પોલીસે જણાવ્યું છે કે અલ-અકસા મસ્જિદમાં શુક્રવારની નમાઝ માટે પ૦ વર્ષથી ઓછી વયના પુરૂષોને પ્રવેશવા દેવામાં આવશે નહીં. આગલા દિવસે સંવેદનશીલ વિસ્તારમાં પેલેસ્ટીનિની અને ઈઝરાયેલ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે જણાવ્યું કે સુરક્ષાની સમીક્ષા કરાઈ છે અને એવા સંકેતો મળ્યા છે કે અશાંતિ અને વિરોધ પ્રદર્શનો આજે થવાના છે. જેના લીધે ફકત પ૦ વર્ષથી વધુ વયના પુરૂષોને અને બધી જ વયની મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ આપવામાં આવશે. મસ્જિદમાં જવા માટેના ફકત થોડા જ રોડો ખુલ્લા રખાયા છે અને બીજા બંધ કરવામાં આવ્યા છે. સુરક્ષાના બધા જ પગલાં લેવાયા છે. જેથી હિંસાને રોકી શકાય. આ સ્થળ અલ-અકસા મસ્જિદ અને ડોમ ઓફ ધ રોકને આવરી લે છે. ગુરૂવારે પેલેસ્ટીનીઓએ પોતાના બહિષ્કારના એલાનને ખતમ કર્યો હતો જે એલાન એમણે ઈઝરાયેલની નવી સુરક્ષાના લીધે આપ્યું હતું અને ગયા બે અઠવાડિયા પછી પહેલી વખત મસ્જિદમાં પ્રવેશ્યા હતા. ગુરૂવારે બપોર પછી હજારો પ્રાર્થનાકારો મસ્જિદમાં આવ્યા હતા એ પછી ઈઝરાયેલ પોલીસ અને પેલેસ્ટીનીઓ વચ્ચે સંઘર્ષ ફાટી નીકળ્યો હતો. પેલેસ્ટીનીઓ રેડ ક્રેસેન્ટે ૧૦૦ વ્યક્તિઓ ઘવાઈ હોવાના અહેવાલો આપ્યા હતા. ઈઝરાયેલ નવા સુરક્ષા પ્રતિબંધો દૂર કરતાં પેલેસ્ટીનીઓએ પોતાના બહિષ્કારનો અંત લાવવાની જાહેરાત કરી હતી.