ગાઝાપટ્ટી, તા. ૫
ઇઝરાયેલી દળો દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન આડેધડ ગોળીબારમાં એક પેલેસ્ટીની યુવાનને ગોળી વાગ્યા બાદ તેને અટકાયતમાં લેવામાં આવ્યો હતો જેનું બાદમાં મોત થયંુ હતું. બેથલેહેમના કબજા હેઠળના વેસ્ટબેંકમાં આવેલા શરણાર્થી કેમ્પ પર ઇઝરાયેલી દરોડામાં ગોળીબાર કરાયો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા રાએદ અલ-સાલિહીનું મોત થયું હતું. ઘાયલ થયેલા યુવાનને ઇઝરાયેલી દળોએ અટકાયતમાં લીધા બાદ તેને જેરૂસલેમની હદાસ્સાહ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો જ્યાં બાદમાં તેનું અવસાન થયું હતું.
હમાસના પ્રવક્તા હાઝેમ કાસેમે જણાવ્યું હતું કે, સાલિહીની હત્યા કરી ઇઝરાયેલે ઘણા ગુના આચર્યા છે. તેમણે કહ્યું કે, ઇઝરાયેલે માનવતાના તમામ ધારાધોરણો વટાવી કરારનો સ્પષ્ટ રીતે ભંગ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, ઇઝરાયેલી અટકાયતમાં સાલિહીનું મોત તેમના ઇરાદાને ડગમગાવી શકશે નહીં અને તેમના ઉકેલ માટેના પ્રયાસોને પણ નબળા પાડી શકશે નહીં. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અમારી પ્રાથમિકતા અટકાયતીઓને ઇઝરાયેલી ચુંગાલમાંથી મુક્ત કરાવવાની જ રહેશે. આશરે ૭,૦૦૦થી વધુ પેલેસ્ટીની યુવાનોને ઇઝરાયેલી ગેરકાયદે રીતે અટકાયતમાં ગોંધી રાખ્યા છે. વહીવટી અટકાયતના બહાને સેંકડો પેલેસ્ટીનીઓને જેલોમાં રાખવામાં આવી રહ્યા છે જેમાં તેમને કોઇપણ ટ્રાયલ કે આરોપ વિના વર્ષો સુધી કેદ કરી લેવામાં આવે છે. કેટલાક પેલેસ્ટીનીઓને તો કોઇપણ સુનાવણી તથા આરોપ ઘડાયા વિના જેલોમાં ૧૧ વર્ષથી વધુ થઇ ગયા છે. સ્વાસ્થ્ય પર ધ્યાન ન અપાતા ઇઝરાયેલી જેલોમાં અટકાયતમાં રખાયેલા ૧,૨૦૦થી વધુ પેલેસ્ટીનીઓની હાલત ગંભીર છે.