(એજન્સી) ઇઝરાયેલ, તા.૧૧
ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું કે અપાચેનું હેલિકોપ્ટર દક્ષિણ ઇઝરાયેલના હવાઇ મથકે ઉતરાણ કરતી વખતે ક્રેશ થઇ જતાં પાયલોટનું મોત થયું હતું અને તેનો સહપાયલોટ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સૈન્યના પ્રવક્તાએ જણાવ્યું કે સોમવારે દક્ષિંણ ઇઝરાયેલમાં આવેલા હવાઇ મથકે ઉતરાણ કરતી વખતે સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રવક્તાએ કહ્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે ત્યાં સુધી તમામ કોમ્બેટ હેલિકોપ્ટરોને ઉડાન ન ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઇઝરાયેલી મીડિયાના અહેવાલ અનુસાર ટેકનિકલ ખામીના કારણે ટ્રેનિંગ સેશન દરમિયાન આ હેલિકાપ્ટર ક્રેશ થઇ ગયું હતું. ઇઝરાયેલી મીડિયાના અહેવાલ અનુસાર ઇઝરાયેલે અગાઉ પણ આ રીતે હેલિકોપ્ટરોને ઉડાન ન ભરવાનો આદેશ આપ્યો હતો કારણ કે અગાઉ અપાચેના એક હેલિકોપ્ટરના પંખામાં મોટી તિરાડ હતી. ત્યારબાદ જુલાઇમાં ફરીથી આ હેલિકોપ્ટરોએ ઉડાન શરૂ કરી હતી.