Ahmedabad

આઈટીના દરોડા ભાજપની નિરાશા- હતાશા દર્શાવે છે : અહમદ પટેલ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર
ગુજરાતમાં રાજ્યસભાની બેઠક જીતવા ભાજપે તડજોડની નીતિ અપનાવી છે. ત્યારે કોંગ્રેસ પણ પોતાનો બચાવ કરવા તેમના ધારાસભ્યોને બેંગ્લુરૂ લઈ ગઈ છે. ત્યારે બેગ્લુરૂમાં પણ આ કોંગ્રેસના ધારાસભ્યોને જેને આશરો આપ્યો છે તેવા કર્ણાટકના મંત્રીના ઘરે અને ધારાસભ્યોને આશરો આપ્યો છે તે રિસોર્ટમાં આઈટીના દરોડા પાડીને ભાજપ કોંગી ધારાસભ્યોને હેરાન કરવાની એકપણ તક જતી કરવા માગતી નથી. ત્યારે આ અંગે રાજ્યસભાની ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવાર અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલે ટ્‌વીટર ઉપર ટ્‌વીટ કરીને ભાજપ સામે નિશાન તાકતા જણાવ્યું હતું કે રાજ્યની મશીનરી અને અન્ય તમામ એજન્સીઓનો ઉપયોગ કર્યા બાદ ઈન્કમટેક્ષના દરોડા ભાજપની નિરાશા અને હતાશા દર્શાવે છે. રાજ્યસભાની બેઠક જીતવા ભાજપ તમામ હથકંડા અપનાવવા તૈયાર છે. કોંગ્રેસના ધારાસભ્યોને ઉતારવામાં આવ્યા છે તે બેંગ્લુરૂ સ્થિત ઈગલટન ગોલ્ફ રિસોર્ટ પર પાડવામાં આવેલા ઈન્કમટેક્સના દરોડા અંગે અહમદ પટેલે એક ન્યુઝ ચેનલમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ રેડ રાજ છે. આ સરકાર કોઈને પણ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટથી ડરાવવા માગે છે. ભાજપ કોંગ્રેસની એક સીટ ઘટાડવા ઈચ્છે છે. ભાજપનો મકસદ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકરોનું મનોબળ તોડવાનો છે.