કોડીનાર, તા.ર૧
કોડીનાર શહેરમાં ઈદ નિમિત્તે રાજકીય નેતાઓના પોસ્ટર લગાવવા બાબતે એક શખ્સે ફોન ઉપર જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઘટનાની પોલીસ ફરિયાદની વિગત મુજબ એકતા ચોકમાં ઈદેમિલાદ નિમિત્તે ઈકબાલ કાસમ જુણેજા અને અન્ય લોકો રાત્રીના શણગાર કરી રહ્યા હતા ત્યારે ઈકબાલ ભાઈના મોબાઈલમાં રફીક સેલોત નામના શખ્સે ફોન કરી તું ચોકમાં દીનું સોલંકી અને શિવા સોલંકીના પોસ્ટર શું કામ લગાડે છે તે પોસ્ટર ઉતારી નાંખવાનું કહેતા ઈકબાલભાઈએ પોસ્ટર ઉતારવાની ના પાડતાં રફીકે ઉશ્કેરાઈ જઈ બિભત્સ ગાળો ભાંડતા ગાળો આપવાની ના પાડતા જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈકબાલ કાસમ જુણેજાએ રફીક સુલેમાન સેલોત વિરૂદ્ધ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા ટાઉન હેડ કોન્સ. કાળુભાઈ ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે.