(એજન્સી) જેરૂસલેમ,તા.૧૩
જેરૂસલેમ વિસ્તારમાં જારી હિંસક પોલીસ દરોડા દરમ્યાન ઓલ્ડ સિટીની દક્ષિણમાં કબજા હેઠળના પૂર્વ જેરૂસલેમના સિલ્વાન ટાઉનમાં ફાટી નીકળેલી હિંસક અથડામણ દરમ્યાન ઈઝરાયેલી દળો દ્વારા ર૦ વર્ષના એક પેલેસ્ટીની યુવાનને ઠાર મારવામાં આવ્યો હતો. રાત્રે ૧૧ઃ૦૦ વાગ્યાની આસપાસ થયેલી અથડામણ દરમ્યાન અલી આતેફ શુયુખીને ગોળીબારમાં ગંભીર ઈજા પહોંચી હતી.
ઈઝરાયેલી દળોએ પેલેસ્ટીની યુવાન પર રબર-કોટેડ સ્ટીલની ગોળીઓ અને અશ્રુવાયુના સેલ્સ છોડ્યા હતા. તેના જવાબમાં પેલેસ્ટીની યુવાનોએ દારૂગોળો અને મોલોટોવ કોકટેલ છોડતા લશ્કરની એક જીપ સળગી ઉઠી હતી. ઈજાગ્રસ્ત ર૦ વર્ષના યુવાનનું પાછળથી મૃત્યુ થયું હતું. ઈઝરાયેલી પોલીસે ટ્રાફિક અને રાહદારી માટે વિસ્તાર બંધ કરીને ઘાયલ યુવાન સુધી એમ્બ્યુલન્સ પહોંચવા દીધી નહોતી.
પેલેસ્ટેની રેડ ક્રિસેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈઝરાયેલી દળોએ એમ્બ્યુલન્સના સ્ટાફની વારંવાર જડતી લઈને તેમને હેરાન કર્યા હતા અને તેમને ઈજાગ્રસ્ત યુવાન અલી આતેફ શુયુખી સુધી પહોંચવા દીધા નહોતા કે જેથી એમ્બ્યુલન્સ સ્ટાફને આ યુવાનની જીવલેણ ઈજા ખબર ન પડે.
જો કે સ્થાનિક સંગઠનવાદી હિલ્વેહ ઈન્ફોર્મેશન સેન્ટરના જણાવ્યા અનુસાર શુયુખીના પેટ પર ગોળી છોડવામાં આવી હતી, જ્યારે સરકાર સંચાલિત સમાચાર સંસ્થા વફાએ જણાવ્યું હતું કે યુવાનની છાતી પર ગોળી છોડવામાં આવી હતી.
દરમ્યાન રબર કોટેડ ગોળીથી એકબીજા પેલેસ્ટીની યુવાનને આંખ પર ઈજા પહોંચી હતી. અન્ય ડઝન જેટલા યુવાનોને અશ્રુવાયુના કારણે શ્વાસોચ્છવાસ લેવામાં તકલીફ પડી હતી.
છેલ્લા એકાદ વર્ષથી પેલેસ્ટીનીઓ પર વધુ પડતા બળપ્રયોગ અને ગેરકાયદે હત્યાઓ બધા માનવ અધિકાર જૂથોએ ઈઝરાયેલી પોલીસ અને સૈનિકોની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. અથડામણો દરમ્યાન ઈઝરાયેલી દળોએ અલ-અબ્બાસી પરિવારના સિલ્વાન સ્થિત અનેક ઘરો પર ત્રાટકીને ૬૦ વર્ષના ખલીલ-અલ-અબ્બાસી અને તેમના પુત્ર પર હુમલા કર્યા હતા. ઈઝરાયેલી દળોએ તેમના ઘરના બારણાને પણ તોડી નાખ્યું હતું.
જેરૂસલેમ કમિટી ફોર ફેમિલિઝ ઓફ પ્રિઝનર્સના જણાવ્યા પ્રમાણે શુયુખી ભૂતકાળમાં કેદી હતો અને ઈઝરાયેલી કસ્ટડીમાં ૧પ મહિના રહ્યા બાદ ર૦૧૬માં તેને છોડવામાં આવ્યો હતો. સ્થાનિક પેલેસ્ટીની મીડિયા સાઈટ્સ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોથી ઈઝરાયેલી દળો દ્વારા તેની અવારનવાર ધરપકડો થતી રહી છે. તે ૧ર વર્ષનો હતો ત્યારથી ઈઝરાયેલી દળોએ અત્યાર સુધીમાં અનેક વખત તેની ધરપકડો કરી હતી.
અલી-આતેફ શુયુખીના મૃત્યુના બે કલાક બાદ જેરૂસલેમમાં લુર્બેત-અલ-સાવા હિરા કબ્રસ્તાન ખાતે અનેક શોકાર્ત લોકોની હાજરીમાં તેની દફનવિધિ કરવામાં આવી હતી. શોકાર્ત લોકોએ શુયુખીની તરફેણમાં સૂત્રો પોકાર્યા હતા. અલી આકાશના તારક સમાન હતો.