જલધારા વોટરપાર્કની કરોડોની બાકી રકમ વસૂલવા હાઈકોર્ટમાં રિટ કરાઈ

અમદાવાદ,તા. ૬
જલધારા વોટર પાર્ક ચલાવતી કંપની દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી આચરાઇ હોવાછતાં તેને ચાલુ રાખવાના અમ્યુકોના વિવાદિત નિર્ણયને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મહત્વની રિટ અરજી દાખલ થઇ છે. કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખ દ્વારા કરાયેલી અરજીમાં ગંભીર આક્ષેપ કરાયો છે કે, છેલ્લા ૧૫ વર્ષમાં કંપનીએ કરાર પ્રમાણે ચૂકવવાની થતી રૂ.૧૮ કરોડ જેટલી રકમ પણ પૂરી અમ્યુકોને ચૂકવી નથી. આ અરજીની સુનાવણીમાં હાઇકોર્ટે પિટિશનની કોપી અમ્યુકોને આપવાનો અરજદારપક્ષને નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી તા.૮મી સપ્ટેમ્બર પર મુકરર કરી હતી. કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખ તરફથી કરાયેલી અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, કાંકરિયા ખાતે ૧૦૧૯૪ ચો.મી જેટલો અમ્યુકોનો પ્લોટ આવેલો છે. જેમાં અગાઉ બાળકો માટે વોટરપાર્ક બનાવવા અમ્યુકો તરફથી ટેન્ડર મંગાવાયા હતા. જેમાં સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિને જલધારા વોટરપાર્ક બનાવવા ટેન્ડર ફાળવવામાં આવ્યું હતુ અને તેના સને ૧૯૯૮માં ૧૫ વર્ષ માટે કરાર કરવામાં આવ્યા હતા. કરાર પ્રમાણે, કંપનીએ અમ્યુકોને ૩૦ ટકા શેર આપવાનો હતો. કંપની પ્રતિવર્ષ રૂ.૪૦ લાખ જેટલો નફો રળતી હતી અને તેના ૩૦ ટકા લેખે રૂ.૧૨ લાખ પ્રતિવર્ષ અમ્યુકોને આપવાના થતા હતા પરંતુ કંપનીએ માત્ર રૂ.૧.૫૪ લાખ જ ચૂકવ્યા છે. જેથી છેલ્લા પંદર વર્ષમાં અમ્યુકોને રૂ.૧૮ કરોડ જેટલું જંગી નુકસાન થયાનો અંદાજ છે. ફેબ્રુઆરી-૨૦૧૬માં કંપની સાથે પંદર વર્ષનો કરાર પૂરો થઇ ગયો છે અને તેણે શરતો મુજબ ચૂકવણી કરી નથી તેમછતાં અમ્યુકો દ્વારા પ્લોટનો કબ્જો પરત લેવાયો નથી અને તેની સાથેનો કરાર ચાલુ રખાયો છે. અરજીમાં ધ્યાન દોરાયું હતું કે, આ જગ્યાનો ઉપયોગ માત્ર બાળકોના વોટરપાર્ક માટે જ કરવાનો હોવાછતાં કંપની દ્વારા ત્યાં બાંધકામ કરી દેવાયું છે અને તેનો ઉપયોગ લગ્ન સમારંભ, પ્રસંગ-ઇવેન્ટ અને નવરાત્રિ મહોત્સવમાં કરી કરોડો રૂપિયાની કમાણી થઇ રહી છે. અમ્યુકો દ્વારા જરૂરી પ્રક્રિયા અનુસર્યા વિના જ કંપનીને ૨૦ વર્ષનું એક્સ્ટેન્શન આપવા માંગે છે, જેથી હાઇકોર્ટે પહેલાં અમ્યુકોને કંપની પાસેથી બાકી નીકળતાં કરોડો રૂપિયાની રકમની વસૂલાત કરવા અને તેની પાસેથી જગ્યાનો કબજો લઇ તટસ્થ કાર્યવાહી હાથ ધરવા અમ્યુકોને હુકમ કરવો જોઇએ એવી પણ પિટિશનમાં દાદ માંગવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks