અમદાવાદ, તા.૧૮
શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા મ્યુનિ.પ્લોટ પર તંત્ર દ્વારા આપવામા આવેલા રૂપિયા ૧૦૦ કરોડની કિંમતના પ્લોટ પર બનાવવામાં આવેલા જલધારા વોટરપાર્કની મુદતમાં વધારો કરી આપવા મામલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આજે રજુ કરવામા આવેલી દરખાસ્તને ત્રણ માસ માટે મુલ્તવી રાખવાભાજપ હાઈકમાન્ડ દ્વારા મ્યુનિ.હોદ્દેદારોને મૌખિક સુચના આપતા દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મુલતવી રાખવા નિર્ણય કરવામા આવ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,જલધારા વોટરપાર્કના ડિરેકટર દ્વારા મ્યુનિ.કમિશનરને પત્ર લખીને તે રૂપિયા ૧૧.૫૦ કરોડનું રોકાણ કરશે તેમ કહી હાલ પુરી થતી મુદતમાં ૨૦ વર્ષનો વધારો કરી આપવા પત્ર લખવામા આવ્યો હતો જેના આધારે મ્યુનિસિપલ કમિશનરે આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુદતમાં વધારો કરી આપવા દરખાસ્ત રજુ કરી હતી.વિપક્ષનેતાનુ આ મામલે કહેવુ છે કે,આમ કરી તે દર વર્ષે માત્ર ૩૬.૮૫ લાખ ભાડુ ચુકવશે.માત્ર આટલી રકમમાં અંદાજે ૧૦,૦૦૦ ચો.મી.થી વધુ જમીન મળતીયા કોન્ટ્રાકટરને પધરાવી દેવાના કારસાનો અમે વિરોધ કરીએ છીએ.કેમકે આમ થવાથી માત્ર કોન્ટ્રાકટરને ફાયદો થવાનો છે કમિશનરે ભાજપના મળતીયા કોન્ટ્રાકટરને ફાયદો થાય એ માટે મુદત પુરી થાય એના એક દિવસ અગાઉ જ સમયમા વધારો કરવાની દરખાસ્ત રજુ કરી છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ.વિપક્ષ દ્વારા આ મામલે નવેસરથી ટેન્ડર બહાર પાડવા પણ માગણી કરવામા આવી છે.જલધારા વોટરપાર્કને આપવામા આવેલી જમીનની વર્તમાન કિંમત રાજય સરકારની જમીન મુલ્યાંકન કમિટી પાસે કરાવી કમિટી જે ભાવ નકકી કરે તેના ૧૦ ટકા ભાવ મુજબ ભાડુ નકકી કરવા તેમજ દર વર્ષે ૧૫ ટકાનો વધારો કરવા પણ વિપક્ષ દ્વારા માગણી કરવામા આવી હતી.આ સાથે જ જલધારા વોટરપાર્કનુ ગ્લોબલ ટેન્ડર બહાર પાડવા પણ માગણી કરવામા આવી હતી.વોટરપાર્કનો મિલકત વેરો છેલ્લા પંદર વર્ષથી વસુલવામા આવ્યો ન હોઈ આ વેરો વસુલવા અન્યથા હાઈકોર્ટમાં કાનુની લડત આપવાની તૈયારી રાખવા પણ વિપક્ષ દ્વારા ચીમકી આપવામા આવી હતી.બીજી તરફ આ મામલે થયેલા ભારે વિવાદ બાદ ભાજપ મોવડીમંડળના ઈશારે મળેલી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આગામી ત્રણ માસ માટે દરખાસ્ત મુલ્તવી રાખવા મ્યુનિ.હોદ્દેદારો મજબુર બન્યા હતા.આ સાથે જ પૂર્વ વિપક્ષનેતા બદ્દરૂદીન શેખે કહ્યુ છે કે,આ મામલે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં જવા મકકમ છે.