Ahmedabad

જળસંચય અભિયાનને ૧પ દિવસ થવા છતાં ૩૦થી ૪૦ ટકા કામો થયા જ નથી !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૬
ગુજરાત સરકાર દ્વારા ભરઉનાળામાં પાણીની તંગીનો સામનો કરી રહેલી પ્રજાનું ધ્યાન આકર્ષિત કરવા રાજ્યભરમાં મોટા ઉપાડે જળસંચય અભિયાન તો શરૂ કરી દેવાયું છે. પરંતુ તેની સામે પ્રથમ દિવસથી જ વિપક્ષ કોંગ્રેસ તથા અન્ય સંસ્થાઓ વગેરે દ્વારા શંકા સાથે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જોરશોરથી શરૂ કરાયેલ આ અભિયાનને ૧પ-૧પ દિવસ થવા છતાં ૩૦ ટકા જેટલી પણ કામગીરી થઈ ના શકતા મુખ્યમંત્રી રોષે ભરાયા છે અને તેમણે અધિકારીઓની સામે નારાજગી વ્યક્ત કરી હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે.
રાજ્ય સરકાર દ્વારા પાણીનો સંગ્રહ કરી તેના સ્ત્રોત વધારવા રાજ્યભરમાં જળસંચય અભિયાન હાથ ધર્યું છે અને તેમાં ખુદ મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ રસ લઈ કામગીરી પર નજર રાખી રહ્યું. ત્યારે રાજ્યમાં જળસંચય અભિયાનની કામગીરીના અહેવાલો જે આવી રહ્યા છે તે બહુ સારા ન હોઈ સરકાર નારાજ થયેલ છે એક તરફ વિપક્ષ કોંગ્રેસ તેમજ અન્ય સંસ્થાઓ વગેરે જળસંચય અભિયાન સામે શંકા ઉપજાવી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અભિયાનની માંદી કામગીરીના અહેવાલોથી મુખ્યમંત્રી રોષે ભરાયા છે.
વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે અધિકારીઓની ઝાટકણી કાઢી છે. આજે પાટનગર ગાંધીનગરમાં રૂપાણી સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં અધિકારીઓને ખખડાવી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. જળસંચય અભિયાનને ૧પ દિવસ થવા છતાં ૩૦થી ૪૦ ટકા કામો શરૂ જ થયા નથી. રાજ્યમાં આઠ જિલ્લા તો એવા છે જ્યાં ૩૦થી ૮૦ ટકા કામો શરૂ થઈ શક્યા નથી. જેથી સીએમઓએ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે.
જળસંચય અભિયાનમાં મંદ કામગીરીની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ગાંધીનગરમાં ૮૦ ટકા કામગીરી શરૂ થઈ શકી નથી. અમરેલીમાં ૬પ ટકા, કચ્છમાં ૬૦ ટકા, જામનગરમાં પપ ટકા, સાબરકાંઠામાં પર ટકા કામગીરી શરૂ થઈ નથી. તો અમદાવાદ-મહેસાણામાં ૩પ.૩પ ટકા કામ શરૂ જ થયા નથી. જૂનાગઢમાં ૩૪ ટકા કામગીરી શરૂ થઈ નથી. ત્યારે રાજ્ય સરકારે જિલ્લાના મંત્રી પ્રભારી અને સંગઠન પ્રભારી, પ્રભારી અધિકારી-સચિવોને જિલ્લા કલેક્ટર સાથે સંકલન કરવાનો આદેશ આપ્યો છે અને નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરવા કહ્યું છે.