(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૪
ગુજરાત વિધાનસભાની ચૂંટણી રસપ્રદ તબક્કામાં પ્રવેશી ચૂકી છે. હાલ બીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ગુજરાત ટુડેએ અગાઉ વ્યક્ત કરેલી આશંકા સાચી ઠરતી હોય તેમ મુસ્લિમ ઉમેદવાર સામે મુસ્લિમ ઉમેદવારને લડાવવાની ભાજપની ચાલ સફળ થતી હોય તેમ અમદાવાદની મુસ્લિમ બુદ્ધિજીવીવાળી બેઠકો જમાલપુર અને દરિયાપુરમાંથી ૯ મુસ્લિમ ઉમેદવારોએ ઊભા રહી મુસ્લિમ મતોનું વિભાજન કરવામાં પોતાનો ફાળો આપતા હોય તેમ જણાય છે. આજરોજ ઉમેદવારી નોંધાવવાના ચોથા દિવસે જમાલપુરમાંથી મહેબૂબ મોહમ્મદભાઈ રંગરેજ, બલ્લુવાળા અહેમદ રમજુભાઈ અને આફતાબ અહેમદ સરદાર અહેમદ સૈયદ નામના ત્રણ ઉમેદવારોએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે દરિયાપુરની સૌથી વધુ ચર્ચાસ્પદ અને ભાજપના નિશાન પર રહેલી બેઠક માટે પ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ખલીફા શમસુદ્દીન નસીરૂદ્દીન, મિર્ઝા મુસ્તફાબેગ મહંમદબેગ, બાગબાન ગુલામરસુલ ગુલામનબી, મોમીન રૂકનોદ્દીન મહંમદહુસેન તથા શેખ અબ્દુલસમદનો સમાવેશ થાય છે. આ તમામ ઉમેદવારો દરિયાપુર વિધાનસભા ક્ષેત્રમાં આવતા કાલુપુર, દરિયાપુર, શાહપુર, ખાનપુર, પટવાશેરી જેવા વિસ્તારોના છે જેથી આ ઉમેદવારો બસો, પાંચસો કે એક હજાર વોટ પણ ખેંચી જાય તો સક્ષમ મુસ્લિમ ઉમેદવારને તકલીફ પડી શકે તેમ છે. જો કે, હવે મુસ્લિમો જાગૃત થયા છે. તેઓએ જીતી શકે તેવા ઉમેદવારને જ વોટ આપવાનું નક્કી કર્યું હોવાથી મતોના વિભાજનની શક્યતા ઓછી છે તેમ છતાં અભણ કે ઓછું ભણેલા લોકો દબાણ કે લાલચમાં આવી મતદાન ન કરે તે માટે દરેક બેઠક માટે સ્થાનિક શિક્ષિત યુવાનોએ પ્રજામાં જાગૃતિ ફેલાવવી જરૂરી છે તો જ મુસ્લિમ ઉમેદવારો વધુમાં વધુ ચૂંટીને વિધાનસભામાં મોકલી શકીશું.