અમદાવાદ,તા.૧૭
જમાલપુર વોર્ડમાં આવેલ કેટલાક વિસ્તારોમાં પ્રદૂષિત પાણીને લીધે કમળો, ઝાડાઉલ્ટી જેવા રોગોના દર્દીઓ મૂળ મોટી સંખ્યામાં નોંધાયા છે. ડોર ટુ ડમ્પ હેઠળ કચરાની ગાડીઓ કચરો ઉપાડતી નથી ઠેરઠેર કચરાના ઢગ જોવા મળે છે. પ્રાથમિક સુવિધાના કામોનો સમયસર નિકાલ કરવામાં આવતો નથી. જેવી ગંભીર રજૂઆત આજરોજ જમાલપુર, ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મધ્યઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સાથેની મીટિંગમાં કરી હતી.
મધ્યઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથેની મીટિંગમાં રજૂઆત કરતા ઈમરાન ખેડાવાલાએ પ્રજાકીય પ્રશ્નોનો નિકાલ સમયસર નહી થતા લેખિતમાં ગંભીર રજૂઆત કરી હતી. છેલ્લા ત્રણ માસથી વિસ્તારમાં આવેલ છીપાવાડ, નાડિયાવાડ, આસ્ટોડિયા, કોટની રાંગ, ટોકરશાની પોળ, સાળવીની પોળ, કૂવાવાડ મહેસાણિયાવાસ, જાનસાહેબની ગલીમાં પોલ્યુશનની વ્યાપક ફરિયાદો વારંવાર આવતી હોવાથી ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરવા છતાં પણ ફરિયાદોનો નિકાલ થતો નથી. પોલ્યુશનને લીધે નાગરિકોને દુષિત પાણી પીવાથી કમળો, ઝાડા ઉલ્ટી, જેવા રોગો મોટા પ્રમાણમાં વિસ્તારમાં નોંધાયેલ છે. તેમજ વિસ્તારમાં ડોર ટુ ડમ્પીંગની ગાડીઓ રેગ્યુલર કચરો ઉપાડતી નથી. જેનાથી વિસ્તારમાં કચરાના ઢગલા ઠેર ઠેર જોવા મળે છે. કચરો નહીં ઉપડતા પ્રજાના આરોગ્યને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે.
જમાલપુર વોર્ડ સમિતિમાં જણાવેલ પ્રાથમિક સુવિધાના પ્રજાકીય કામો ડ્રેનેજ, પાણી, પથ્થર, સફાઈ જેવી રોજબરોજની ફરિયાદોનો નિકાલ સમયસર કરવામાં આવતો નથી. જેથી પ્રજાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઢોર પુરવાનો ડબ્બો, મીરઝાપુર ખાતે બંધ હાલતમાં પડેલ હોવાથી કુરેશ જમાત મેડીકલ ટ્રસ્ટને આપવા, મોટા બંબા ખાતે ફિઝિયોથેરેપી સેન્ટર ચાલુ કરવા તિજોરીવાળા પ્લોટ ખમાસા ખાતે સ્ટડી રૂમ ચાલુ કરવા, ખાડિયામાં આવેલ મ્યુ.કોર્પો. સંચાલિત જિમ્નેશીયમમાં રીપેરીંગ કરવા માટેની રજૂઆત પણ તેમણે કરી હતી.