જામનગર જિ.માં ૧૪.૩૦ કરોડના માર્ગોનું ધોવાણઃ નવ વ્યક્તિ અને ૩૦પ પશુઓનાં મોત

(સંવાદદાતા દ્વારા) જામનગર, તા. ૨૮
ગત પખવાડીયામાં થયેલા ભારે વરસાદના કારણે જામનગર શહેર-જિલ્લામાં સરકારી વિભાગોની માલ-મિલકતોને વ્યાપક નુકસાન થયું હતું. આ ઉપરાંત લોકોના જાનમાલની પણ હાનિ થઈ છે. નવ વ્યક્તિના મૃત્યુ થયા હોવાના અને ત્રણસોથી વધુ પશુઓ મોતને ભેટ્યા હોવાના અહેવાલો છે. માર્ગો અને જમીનનું ધોવાણ પણ મોટા પાયે થયું છે.
સરકારી તંત્રો દ્વારા આ અંગે સર્વે હાથ ધરાયું હતું. તે મુજબ ખાસ કરીને નવ લોકોના જીવ ગયા હતાં જેમાં વરસાદી પાણીના પૂરમાં તણાઈ જવા અને આકાશી વીજળી ત્રાટકવાથી મૃત્યુ થયા હતાં. તેવી જ રીતે ૩૦૫ પશુઓ પણ મોતને ભેટ્યા હતાં.
આ ઉપરાંત પાકુ એક મકાન સંપૂર્ણપણે અને સાત પાકા મકાન અંશતઃ નાશ પામ્યા હતાં. ૧૬૫ કાચા ઝુંપડા સંપૂર્ણપણે અને ૪૮ પાકા ઝુંપડા અંશતઃ નુકસાનગ્રસ્ત થયા હતાં. અત્યાર સુધીમાં ૬૦૭ પરિવારોને ઘરવખરીના નુકસાન અંગે વળતર ચૂકવાયું છે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગોને વરસાદી પાણીથી થયેલી નુકસાની જોઈએ તો શિક્ષણ વિભાગની ૨૫ શાળાઓને રૃા. ૮૯ લાખનું નુકસાન થયું હતું. જ્યારે જિલ્લાના ૬૩ ગામોની ૭૪૪૦ હેક્ટર જમીનનું ધોવાણ થયું હતું. આરોગ્ય વિભાગને સાડા સાત લાખનું તેમજ પંચાયત હસ્તકના સિંચાઈ વિભાગને ૧૫ લાખ ૬૦ હજાર અને રાજ્ય સરકાર હસ્તકના સિંચાઈ વિભાગને એક કરોડનું નુકસાન થયું હતું.
જામનગર મહાનગરપાલિકાના રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર અને વોટર વર્કસ શાખાને મળી કુલ ચારેક કરોડનું નુકસાન થયું હતું. તેવી જ રીતે પીજીવીસીએલને પણ ૨ કરોડ ૮૯ લાખ, રાજ્યના માર્ગ-મકાન વિભાગને ૧૪ કરોડ ૩૦ લાખ અને માર્ગ-મકાન વિભાગ (પંચાયત)ને ૧૨૯ લાખનું નુકસાન થયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks