અમદાવાદ, તા.૯
શહેરી જમીન ટોચ મર્યાદા કાયદો, ૧૯૭૬ અંતર્ગત વધારાના ફાજલ કરેલ અને સરકાર સંપ્રાપ્ત થયેલ જમીનો પૈકીની ચોક્કસ જમીનનો ભોગવટો કાયદેસર કરવા અંગેના કાયદા નં. ૭-૨૦૧૭માં સુધારો કરતું વિધેયક મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં રજુ કરતાં તેને પસાર કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત વિધેયકમાં બે સુધારાઓ રજુ કરવામાં આવ્યા હતા. બે સુધારાઓ અંતર્ગત સુધારા ૧ મુજબ ભોગવટો ધરાવનારે પેટાકલમ-૨ હેઠળ નોટીસ મળ્યેથી સરકાર જાહેરનામામાંથી નક્કી કરે તે મુદ્દતમાં નોટીસમાં જણાવ્યા પ્રમાણેથી જરૂરી ચુકવણી કરી શકશે. આ અંગે અગાઉ એની જોગવાઈ હતી કે ગુજરાત શહેરી જમીન ટોચમર્યાદા અને નિયમન ૧૯૭૬ અન્વયે રાજય સરકારમાં નિહીત થયેલી જમીન પૈકી ભોગવટા સાથેની જમીનને માન્ય ઠેરવવાનો કાયદા નં. ૭-૨૦૧૭ની કલમ ૭(૩) ભોગવટો કરનારે, પેટા કલમ-૨ હેઠળ નોટીસ મળ્યેથી એક મહિનાની અંદર નોટીસમાં જણાવ્યા પ્રમાણેથી જરૂરી ચુકવણી કરવી જોઈશે, તેમ કરવામાં ચુક કર્યેથી તેની અરજી નામંજુર થયેલી ગણાશે તેવી જોગવાઈ હતી. આ સુધારો લાવવાનું કારણ દર્શાવતા મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કાયદાની જોગવાઈઓનો લાભ લેવા ઈચ્છુક અરજદારની નાણાંકીય ક્ષમતા ન હોવાથી નબળી આર્થિક સ્થિતિના કારણે સમયસર નાણા ભરી શકતા નથી, માટે હપ્તા કરી આપવા તેમજ નાણા ભરવાની મુદ્દત વધારી આપવાની અરજદારો તરફથી રજુઆતો સરકાર સમક્ષ આવતી હોય છે તેને ધ્યાનમાં રાખીને આ સુધારો લાવવામાં આવ્યો છે. બીજા સુધારા અંતર્ગત રાષ્ટ્રીયકૃત બેંકમાંથી લીધેલ ધીરાણના કિસ્સામાં સમયસર ધિરાણ ન ભરવાના કિસ્સામાં બેન્કોને તેનું ધિરાણ સંબંધિત કાયદા મુજબ વસુલ કરવામાં ૧૫ વર્ષની જોગવાઈ લાગુ પાડશે નહી. અગાઉ કોઈપણ ભોગવટો કરનાર અથવા તેના વારસદાર આવા હુકમથી તારીખથી પંદર વર્ષ પુરા થયા પહેલા આવી જમીન તબદીલ કરી શકશે નહીં, તેવી જોગવાઈ હતી. આ સુધારો લાવવાનું કારણ દર્શાવતા ચુડાસમાએ જણાવ્યું હતું કે, આ જોગવાઈના કારણે બેન્કમાંથી લોન લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે આ જમીનો હુકમથી તારીખથી પંદર વર્ષ પુરા થયા પહેલા તબદીલ કરી શકાતી ન હોવાના કારણે બેન્કો લોન આપવા તૈયાર હોતી નથી. તેવા સંજોગોમાં આ કાયદાની જોગવાઈમાં આ સુધારો જરૂરી બન્યો હતો.