અમદાવાદ, તા.૧૬
ગુજરાતમાં જમીન રીસર્વેમાં ખાનગી કંપનીના સર્વેયરોએ ૧.રપ કરોડ સર્વે નંબરોના તમામ કેસોમાં ખોટા નકશાઓ બનાવી બનાવટી માપણીના આધારે બનાવટી રેકોર્ડસ ઊભા કર્યા છે તેવો જિલ્લા કચેરીઓનો અહેવાલ અને માપણીમાં ગોબાચારીનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યા પછી પણ મહેસૂલમંત્રી માપણીને રદ કરવાને બદલે શા માટે છાવરી રહ્યા છે ? તેવો પ્રશ્ન ઉઠાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મહેસૂલમંત્રી અને મુખ્યમંત્રીને સ્પષ્ટતા કરવાની માગણી કરી પુનઃ પ્રશ્નો ઉઠાવ્યા છે. રાજ્યના મહેસૂલમંત્રીએ નકશાઓ અને પ્રમોલગેશનને રિવીઝનમ લઈને રદ કરવાનો ઈન્કાર કર્યો છે તેની આકરી ઝાટકણી કાઢતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે ભ્રષ્ટાચારી એજન્સીઓ, અધિકારીઓ અને મંત્રીઓને બચાવવા માટે જ રાજ્ય સરકાર ખેડૂતોના ભોગે નવા નકશાઓ રદ કરીને પુનઃ માપણીની માગ સ્વીકારતી નથી. રાજ્યના ડિસ્ટ્રીક્ટ ઈન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડસની કચેરીએ માપણી એજન્સીઓએ કામગીરી કરી હોય તેવું કોઈ પણ ગામમાં નેટવર્ક મળી આવતું નથી તેમ પોતાના તપાસણી અહેવાલમાં સ્પષ્ટ જણાવ્યું છે. ઉપરાંત ફિલ્ડ અધિકારીઓએ પણ સ્પષ્ટ અહેવાલ આપ્યો છે જેનો મુખ્યમંત્રીએ પણ સ્વીકાર કર્યો હોવા છતાં મહેસૂલમંત્રી ક્યા આધારે પાયા વગરની વાતો કરે છે ? મહેસૂલમંત્રીએ હજી પણ પ્રમોલગેશનની કામગીરી ચાલુ છે તેવા કરેલા નિવેદનને પણ જુઠ્ઠાણું ગણાવતા મોઢવાડિયાએ જણાવ્યું કે ખેડૂતોના હાથમાં પ્રમોલગેશનના નમૂના નંબર ૭/૧ર સહિતના રેકોર્ડ આવ્યા ત્યારે જ ખબર પડી કે તેમના ખેતરોના આકાર અને ક્ષેત્રફળ બદલાઈ ગયા છે. મહેસૂલમંત્રી કહે છે. ૯૭ હજાર વાંધાઓ જ આવ્યા છે. પરંતુ વાંધાઓ તો પ્રમોલગેશન થયા પહેલાના જ છે. જેના પ્રમોલગેશન થઈ ગયા છે તેવા ખેડૂતોના વાંધાઓ લેવાનો સમય જ જતો રહ્યો છે. હવે તો ખેડૂતોએ તો હવે વકીલો રોકીને લેન્ડ રેવન્યુ કોડની કલમ ર૦૯ મુજબ અપીલ કરવાની રહે છે. મહેસૂલ મંત્રી કહે છે હજી જમીન માપણીની પ્રક્રિયા ચાલુ છે પરંતુ સેટલમેન્ટ કમિશનરના કહેવા મુજબ ૧૮૦૯પ ગામોમાંથી માત્ર ૩૦૦ ગામમાં જ માપણી અને પ્રમોલગેશનની કાર્યવાહી બાકી છે. એટલે કે ૯૯ ટકા કેસોમાં પુનઃ માપણી અને જમીનના રેકોર્ડસ ફાઈનલ થઈ ગયા છે. સર્વે એજન્સીએ જૂના રેકોર્ડમાં ગોબાચારી કરી ઘર બનાવ્યા. આ માપણીની ચકાસણી કરવા બીજી એજન્સી રોકી તેણે પણ બનાવટી ચકાસણી કરી. સરકારી અધિકારીઓએ જાતે જઈને ર૦ ટકા ચકાસણી કરવાની હતી તે ઘરે બેસીને કરી લીધી. ગ્રામ સભા બોલાવવાની, ખેડૂતોને હાજર રાખવાની શરતોનું ઉલ્લંઘન કર્યું. પ્રાંત અધિકારીએ “આવેલ વાંધાઓ ચકાસ્યા છે અને દુરસ્ત કર્યા છે” તેવું સર્ટિફિકેટ પણ આપી દીધું અને તમામ રેવન્યુ રેકોર્ડસ પણ આપી દીધું અને તમામ રેવન્યુ રેકોર્ડસ પ્રમોલગેટ કરી લીધા હવે આખી પ્રક્રિયા ઉલટાવવા માટે રાજ્ય સરકારે તમામ પ્રમોલગેશનને રીવિઝનમાં લઈને રદ કરવું પડે પરંતુ રાજ્ય સરકાર આવું પગલું લે તો ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડી જાય એટલે ભૂતની પીઠ જેવા બનાવટી નકશાઓ અને રેકોર્ડસને રદ કરતા નથી.