પાવીજેતપુર,તા.૧૬
પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામે કુટુંબના ભાઈઓ વચ્ચે જમીનના ઝઘડામાં પીતરાઈભાઈના સાસરીવાળા પચ્ચીસ ગામેથી ૧૦થી ૧પનું ટોળું આવી હુમલો કરી મકાનનું છાપરૂં સળગાવી દેતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી છે.
પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામે ટેકરી ફળિયામાં રહેતા ઉદેસીંગભાઈ અમરસીંગભાઈ રાઠવા તથા તેમનાં જ કુટુંબના ભાઈ વિપીનભાઈ જેસીંગભાઈ રાઠવા સાથે અગાઉ જમીન બાબતે ઝઘડો થયો. આજરોજ બપોરના સમયે વિપીનભાઈ જેસીંગભાઈ રાઠવાની સાસરી પચ્ચીસ ગામેથી તેમના સાળા પચ્ચીસ ગામના સરપંચ અરવિંદભાઈ રંગુભાઈ રાઠવા તથા તેમના ભાઈ નારણભાઈ, સુનિલભાઈ જંગુભાઈ રાઠવા, નાયકા વજેસિંહ સાભઈભાઈ તેમજ તેમની સાથે અન્ય ૧૦થી ૧ર જેટલા પચ્ચીસ ગામનાં માણસો ભેંસાવહીના સરપંચના પતિ હરેશભાઈને મળ્યા હતા. હરેશભાઈએ પોલીસ સ્ટેશનમાં ભેગા થઈ સમાધાન કરવાની વાત કરી હતી. પરંતુ વિપીનભાઈ તેમની પત્ની સરલાબેન તથા પચ્ચીસ ગામેથી આવેલા ૧૦થી ૧ર માણસોએ હરેશભાઈની વાત માની ન હતી.
બપોરના સમયે ઉદેસીંગભાઈની પત્ની સાથે બાજુના ઘરે બેસવા ગયા હતા. ઉદેસીંગભાઈની માતા કંપાબેન અમરસિંહભાઈ ઘરે હતા તે જ સમયે વિપીનભાઈ તેમની પત્ની તથા પચ્ચીસ ગામેથી આવેલા માણસો ઉદેસીંગભાઈના ઘરમાં ઘૂસી જઈ ગાળો બોલી કંપાબેન સાથે ધોલધપાટ કરતા કંપાબેન ત્યાંથી પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા. ત્યારે તેઓનો પીછો કરી તેમને તેમજ રોહિતવાસમાં રહેતા જાદવભાઈને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ રોહિતવાસમાં ઉદેસીંગભાઈના મકાનમાં જઈ તોડફોડ કરી ઘરની પાછળના ભાગે આવેલ છાપરૂ સળગાવી દીધું હતું. તાત્કાલિક ગામના લોકો દોડી આવી બોરની મોટરો ચાલુ કરી મહામુસીબતે આગ ઉપર કાબૂ મેળવી વધુ નુકસાન થતુ અટકાવ્યું હતું.
આ અંગે ઉદેસીંગભાઈ રાઠવાએ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પાવીજેતપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે પચ્ચીસ ગામના સરપંચ સાથે અન્ય રાજકીય નેતાઓ પણ હોવાનું જાણવા મળી રહ્યું છે.