(એજન્સી) મુઝફ્ફરનગર, તા. ૨૧
દેવબંદ સ્થિત જમીયત ઉલેમા-એ-હિન્દે ઇસ્લામના પયગમ્બર હઝરત મોહમ્મદ (સ.અ.વ.) વિશે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મુકનારા લોકો સામે જો પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કડક પગલા ભરવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાની ધમકી આપી છે. જમીયત ઉલેમા-એ-હિન્દના પશ્ચિમ ઉત્તર પ્રદેશના સેક્રેટરી કારી ઝાકીરે એસએસપી સાથે મુલાકાત કરીને આવા કેસોમાં આરોપીઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા (એનએસએ) હેઠળ કેસ નોંધવાની માગણી કરી છે. કોમવાદી રીતે સંવેદનશીલ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં સોશિયલ મીડિયા પર ભડકાઉ સામગ્રી અપલોડ કરવાની સર્જાયેલી ત્રણ ઘટનાઓથી સમુદાયો વચ્ચે તનાવ સર્જાયો છે. આવા બે કેસોમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. કેટલાક બળો પ્રદેશમાં કોમી અશાંતિ સર્જવાના પ્રયાસો કરી રહ્યા હોવાના સ્પષ્ટ સંકેતો મળ્યા છે. જો આવા બળો સામે કડક પગલાં ભરવામાં નહીં આવે તો અમે મોટાપાયે આંદોલન શરૂ કરીશું. એમ કારી ઝાકીરે જણાવ્યું છે. એસએસપીએ આવા તત્વો સામે કડક પગલાં ભરવાની અમને ખાતરી આપી છે. તેમણે એવું પણ કહ્યું કે જો પોલીસ પોતાનું વચન નહીં પાળે તો અમે પહેલા રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરીશું અને ત્યાર પછી આ આંદોલન સમગ્ર દેશમાં ફેલાવવામાં આવશે. શહેરના એસપી ઓમવીરસિંહે જણાવ્યું કે એસએસપીએ આવા કેસોમાં તાકીદે પગલા ભરવાનો બધા પોલીસ સ્ટેશનોને આદેશ આપી દીધો છે. સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ મુકવાના સંદર્ભમાં અત્યાર સુધી બે લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા છે. જ્યારે ત્રીજા કેસમાં આરોપીને પકડી પાડવાના પ્રયાસો ચાલુ છે. દરમિયાન, જિલ્લા મેજિસ્ટ્રેટ રાજીવ શર્માએ જણાવ્યું કે આ ગંભીર બાબત છે અને મુઝફ્ફરનગરમાં શાંતિ જાળવવાની ખાતરી કરવા માટે તેઓ વ્યક્તિગત રીતે એસએસપીને કહેશે. સોશિયલ મીડિયા પર ભારે વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવાના કેસોમાં આરોપીઓ સામે એનએસએ લાદવા અંગે અમે વિચારણા કરીશું.