Site icon Gujarat Today

જામજોધપુરની ડિસ્ટ્રીક્ટ બેંકના છેતરપિંડી કૌભાંડમાં ત્રણ આરોપીની ધરપકડ

જામનગર, તા.૩
જામજોધપુરની ડિસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકમાં ફરજ બજાવતા પાંચ કર્મચારીઓએ ત્રણ ખાતેદારો સાથે મળી જામજોધપુર તાલુકા કર્મચારી સહકારી મંડળીની આવેલી રકમ એફ.ડી. તરીકે જમા કરવાને બદલે તેની ઉચાપત કરી લીધાની એક બેંક કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આજે ત્રણ આરોપીની ધરપકડ કરી તેઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.
જામજોધપુરની ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ દ્વારા જામજોધપુર તાલુકા કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી દ્વારા બેંકમાં જમા કરાવાયેલી રકમમાં કંઈ ઘાલમેલ કરતા હોવાની કેટલાક સમયથી ચાલી રહેલી ચર્ચા દરમ્યાન આખરે ગઈકાલે આ બાબતની જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ કિસ્સામાં ફરિયાદી બનેલા ધ્રોલની નાગર શેરીમાં રહેતા વિનોદભાઈ જેઠાભાઈ પરસાણિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ આ બેંકના એકાઉન્ટન્ટ ગિરીશ પ્રાણશંકર ભટ્ટ, કેશિયર ચિરાગ મુકુંદરાય જોષી, કલાર્ક નિરજ મગનભાઈ પટેલ, પોસ્ટીંગ કલાર્ક હરદીપસિંહ મનદીપસિંહ જાડેજા, બીજા પોસ્ટીંગ કલાર્ક બ્રિજરાજસિંહ સહદેવસિંહ જાડેજાએ આ બેંકના ખાતેદાર રવિ સુરેશભાઈ કાલરિયા, જયેશ જીવણભાઈ ખાંટ તથા બટુક હમીર કડીવાર સાથે મળી કુલ રૂા.૧,૩૮,૦૦૬૧૫ની રકમની બેંકના ગ્રાહકોને એફ.ડી.ની ખોટી રસીદો આપી ઉચાપત કરી લીધી છે.
આ ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યા મુજબ આરોપીઓએ અગાઉથી નક્કી કરી આખો કારસો ઘડયો છે જેમાં જામજોધપુરની તાલુકા કર્મચારી મંડળીની થાપણ રસીદો બેંકના ભંડોળમાં પૈસા જમા કરાવ્યા વગર ખોટા હિસાબો લખી રૂા.૧,૦૬,૦૭૬૧૫ની રકમ ખોટું રેકર્ડ ઉભું કરી ઉપયોગમાં લઈ લીધી હતી. આરોપીઓ પૈકીના કેશિયર ચિરાગ જોષીએ ઉપરોક્ત રકમમાંથી રૂા.૩૧,૯૩,૦૦૦ની રકમ ચાર્જ દેતી વખતે ઓછા આપી બેંકની સાથે છેતરપિંડી કરી હતી.
આ ગુન્હાની નોંધ કરી જામજોધપુરના ઈન્ચાર્જ પીઆઈ ડી.બી. ગોહિલે ગિરીશ ભટ્ટ, ચિરાગ જોષી, નિરજ પટેલની ધરપકડ કરી છે. આ શખ્સોને ચૌદ દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version