જામનગર, તા.ર૭
ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સનો કાયદો જ્યારથી અમલમાં આવ્યો ત્યારથી વેપારીઓના ધંધા ભાંગી ગયા છે. વેપાર પર માઠી અસર પડી રહી છે, અનેક વખત ચીમકી આપવા છતાં નિવેડો નહી આવતા અને વેપારીઓને વ્યાજબી માગણીઓ પૂરી કરવામાં ન આવતા આખરે આજથી જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, ફેક્ટરી ઓનર્સ એસો. સહિતની વેપારી સંસ્થાઓ દ્વારા જીએસટી સામે જંગ શરૂ કરી દેવામાં આવ્યો છે, આમ તો સત્તાવાર રીતે બે દિવસ બાદ એટલે કે, ૩૦મીથી લડતના શ્રેણીબદ્ધ કાર્યક્રમો આપવામાં આવશે. આ પૂર્વે આજે જ સેલ્સ ટેક્સ ઓફિસ સામે ર૦૦ જેટલા વેપારીઓ ધરણાં પર બેસી ગયા હતા અને પાંચ રિટર્ન ન ભરે ત્યાં સુધી ધરણાં પર બેસવાની જાહેરાત કરાઇ હતી અને એવું લાગે છે કે, હવે ફરી એક વખત જીએસટી સામે આરપારની લડાઇ લડી લેવા માટે વેપારીઓને અને ઉદ્યોગપતિઓના તમામ સંગઠનો એક થઇ ગયા છે. આગામી દિવસોમાં લડત વધુ ઉગ્ર બને એવું દેખાઇ રહ્યું છે. જીએસટી કાયદો અમલમાં આવ્યો છે એને ચાર ચાર મહિના થઇ ગયા હોવા છતાં પણ વેપારીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે. કાયદા હેઠળ પત્રકો ભરવાની જે પદ્ધતિ ભરવામાં આવેલ છે તે ખૂબ જ જટીલ અને લાંબી છે. વેપારીઓને મહિનામાં પાંચ-પાંચ પત્રકો ભરવા પડે એ હવે અમો સહન કરી શકીએ તેમ નથી, અમારે ૩ર દિવસમાં ૪૬ વસ્તુઓ સરકારને આપવાની છે, અમો વેપારીઓ ચોર નથી, જીએસટીનો કાયદો આવકારદાયક છે, પરંતુ તેની સિસ્ટમ ખૂબ જ ખરાબ છે, જો થોડી ભૂલ થાય તો વેપારીઓને દંડ સહન કરવો પડે છે, આગામી દિવસોમાં તેની માગણીઓ નહી સ્વીકારાય તો અમો રસ્તા પર આવીને આંદોલન કરીશું તેવી સિંહગર્જના પણ વેપારીઓએ કરી હતી. પરંતુ પત્રકાર પરિષદ પૂરી થયા બાદ વેપારીઓ સેલ્સ ટેક્સ ઓફિસ સામે ધરણાં પર બેસી જતા વાતાવરણમાં ઉત્તેજના વ્યાપી ગઇ છે. આજે બોલાવેલી પત્રકાર પરિષદમાં ધ કોમર્સિયલ ટેક્સ પ્રેક્ટિશનર્સ એસો.ના પ્રમુખ અક્ષત વ્યાસ, ઉપપ્રમુખ રાકેશ ભટ્ટ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તુલસીભાઇ ગજેરા, વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઇ તન્ના, હિમાંશુ કુંડલિયા, ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.