જામનગર મનપાની સામાન્ય સભામાં શાસક પક્ષ- વિરોધ પક્ષ વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી

જામનગર, તા.૧૭
જામનગર મહાનગરપાલિકાની આજે બપોરે મળેલી સામાન્ય સભામાં શહેરમાં પ્રસરેલા રોગચાળા પ્રશ્ને તેમજ તાજેતરમાં વાયરલ થયેલી ઓડિયો ક્લીપ અને બોર્ડની કાર્યવાહી અધ્યક્ષના બદલે સભ્યોના ઈશારે કરવામાં આવતી હોવાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના સદસ્યો વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થવા પામી હતી જ્યારે વિપક્ષો વેલમાં ધસી જઈ અધ્યક્ષ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. આ સમય દરમિયાન બંને પક્ષના સદસ્યોએ હાય…હાય… નારાથી ગૃહને ગજવી મૂક્યું હતું. અધ્યક્ષ દ્વારા ગૃહની કાર્યવાહી તાકીદની અસરથી આટોપી લેવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર પ્રતિભાબેન કનખરાના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં ગત બેઠકની મિનિટસને બહાલી આપવાના એજન્ડા દરમિયાન જ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી, યુસુફ ખફી, અસલમ ખીલજી, દેવશી આહિરે શહેરમાં પ્રસરેલા રોગચાળાના પ્રશ્ને એક મહિના જેટલા સમય સુધી તંત્રની લાપરવાહી રહેતા શહેરમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હોય અને લોકો ટપોટપ તેનો ભોગ બની રહ્યા હોવાના મુદ્દે આક્રમકતા દર્શાવી હતી.
આ ઉગ્ર રજૂઆતો દરમિયાન શાસક પક્ષના નેતા ધર્મરાજસિંહ જાડેજા, સ્ટે. કમિટીના ચેરમેન કમલાસિંહ રાજપૂત, મેરામણભાઈ ભાટુ, મનિષભાઈ કનખરા, પ્રવિણભાઈ માડમ, કિશનભાઈ માડમ, દિનેશ ગજરા સહિતના સદસ્યોએ વિરોધ કર્યો હતો, જેના પગલે બંને પક્ષના સભ્યો વચ્ચે તું…તું…, મેં…મેં… થવા પામી હતી. સામાન્ય સભામાં ભારે હોબાળા વચ્ચે અન્ય એજન્ડાઓને મંજૂર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત અધ્યક્ષસ્થાન દ્વારા બે દરખાસ્તો ચેર પરથી રજૂ કરવામાં આવી હતી. જેમાં જી.જી. હોસ્પિટલ સામેની દુકાન ખસેડી માર્ગ પહોળો કરવાની તેમજ સફાઈ કામદારોના વારસદારોને નોકરીમાં લેવા અંગેની દરખાસ્તોને પણ ભારે હંગામા વચ્ચે લીલીઝંડી આપવામાં આવી હતી. દરમિયાન વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી, યુસુફ ખફી, અસલમ ખીલજીએ એજન્ડા મુદ્દે ચર્ચા કરવાની માંગણી ઊઠાવી હતી.
આ અરસામાં ભાજપ અને વિરોધ પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી અને બોર્ડની કાર્યવાહી અધ્યક્ષને સભ્યો ઈશારા કરી ચલાવવામાં આવતી હોવાની વાસ્તવિક્તા વર્ણવી હતી. જ્યારે વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ તાજેતરમાં વાયરલ થયેલી ઓડિયો ક્લીપનો મુદ્દો ઊઠાવતા શાસકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
ગૃહમાં બન્ને પક્ષના સદસ્યો દ્વારા ઉગ્ર બોલાચાલી થતા ગૃહનું વાતાવરણ ગરમાયું હતું. દરમિયાન વિરોધ પક્ષના સભ્યો આક્રમકતા સાથે વેલમાં ધસી ગયા હતા અને અધ્યક્ષ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરતા સમગ્ર મામલો બિચકાયો હતો અને બન્ને પક્ષના સભ્યો દ્વારા સામસામા હાય…હાય…ના નારા લગાવવામાં આવ્યા હતાં.
ગૃહમાં ૧૦થી ૧પ મિનિટના ભારે હંગામા પછી અધ્યક્ષ દ્વારા ગૃહની કાર્યવાહી આટોપી લેવામાં આવી હતી જેના પગલે વિરોધ પક્ષ વધુ આક્રમક બની ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર પોકારી ભ્રષ્ટાચારના કરેલા સ્વીકાર અંગે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks