જામનગરની જેલમાં કાચા કામના કેદીને ત્રાસ મામલે માનવઅધિકાર કોર્ટનો તપાસનો આદેશ

જામનગર, તા.૧૭
જામનગરની જિલ્લા જેલમાં રહેલા હત્યા કેસના એક આરોપીએ પોતાને જેલમાં સત્તાધિશો દ્વારા ત્રાસ અપાતો હોવાની માનવ અધિકાર કોર્ટ સમક્ષ રાવ કરતા ચકચાર જાગી છે. અદાલતે તપાસનો આદેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલાવડમાં થોડા સમય પહેલા થયેલી એક હત્યામાં આરોપી તરીકે ધર્મેન્દ્ર દિલીપદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી જેલમાં ત્રણેક વર્ષથી હતો. તેની સાથે એક યાર્ડમાં રાખવામાં આવેલા ચંદ્રેશ ગોહિલ સામે જામનગરની જેલના સત્તાધિશોએ ફરજમાં રૂકાવટનો કેસ કર્યો હતો. આ કેસમાં ધર્મેન્દ્ર ગઢવી સાક્ષી હોય, તેઓએ ચંદ્રેશ સામે ખોટો કેસ કરાયો હોય, વિરોધ કરતા તેના પર જેલર શાહ અને સિપાહી દિપક કરંગિયા, રમેશ દેવરા વગેરે દ્વારા ત્રાસ ગુજારવાનું શરૂ કરાયું હતું.આ કેદીને કોઈ જાતની પરવાનગી વગર ‘પાસા’ના યાર્ડમાં અને કાળ કોટડીમાં રાખી માર મારવામાં આવતો હતો. ઉપરાંત તાબે થઈ જવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું. તેમજ જેલ બદલી કરવાની, અન્ય કેસમાં ફસાવવાની, આખરી હુકમ વખતે જો જેલ સત્તાધિશો પાસે કોઈ અહેવાલ મંગાવવામાં આવે તો તેના વિરૂદ્ધનો અહેવાલ આપવાની ધમકી અપાઈ હોવાની સાથે પૈસા પણ માંગવામાં આવતા હતા.
ઉપરોક્ત તમામની આરોપી ધર્મેન્દ્રએ જેલ મારફત લેખિત ફરિયાદ આપી હતી, પરંતુ કોર્ટ સમક્ષ આ ફરિયાદ પહોંચતી ન હતી. તે દરમ્યાન પોતાના કેસની મુદ્દતમાં હાજર રખાયેલા ધર્મેન્દ્ર ગઢવીએ માનવ અધિકારના ખાસ જજ સમક્ષ અરજી-રજૂઆત કરતાં અદાલતે જેલ સત્તાધિશો સામે તપાસ કરી તેનો અહેવાલ આપવા હુકમ કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks