હોટલમાં જમ્યા બાદ બિલના રૂપિયા આપવાની માથાકૂટમાં
જામનગર, તા.ર૫
જામનગરમાં જયશ્રી ટોકીઝ પાસે હોટલમાં જમ્યા બાદ બિલના રૂપિયા આપવાની માથાકૂટ થયા બાદ નિવૃત્ત આર્મીમેન દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવતા નાસભાગ મચી ગઈ હતી. આર્મીમેન દ્વારા હોટલના સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આર્મીમેનની ધરપકડ કરી પીસ્તોલ કબ્જે કરી હતી. આ બનાવની વિગત અનુસાર જામનગરના પૂર્વ કોર્પોરેટર આકાશ બારડની શહેરમાં જયશ્રી ટોકિઝ પાસે આવેલ અંબિકા હોટલમાં રવિવારે બપોરે શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતો નિવૃત્ત આર્મીમેન ભરતસિંઘ રામપ્રસાદ જમવા માટે આવ્યો હતો. જમ્યા બાદ બિલના રૂપિયા આપવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ હોટલની બહાર નીકળીને ભરતસીંગે હોટલના સંચાલકો સાથે ગેરવર્તન કરતા માથાકુટ થયા બાદ ભરતસીંગે પોતાની પાસે રહેલ પીસ્તોલ વડે હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેને હોટલમાં રહેલ યુવાનની સામે પીસ્તોલ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભરતસીંગે હવામાં ફાયરિંગ કરતા તે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરવમાં આવતા એલસીબી, સિટી બી-ડિવિઝન તથા એ-ડિવિઝનનો પોલીસ સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે તરંતુ કાર્યવાહી હાથ ધરી ભરતસિંઘની અટકાયત કરી હતી. આ બનાવ અંગે આકાશ બારડે હવામાં ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ભરતસિંઘ સામે સિટી એ-ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી પીસ્તોલ કબ્જે કરી હતી.