લાલપુરમાં ૭, જામનગરમાં પ ઈંચ વરસાદ : બે જળાશયો ઓવરફ્લો

જામનગર, તા. ૧૭
હાલારમાં ૧ થી ૭ ઈંચ જેટલો વરસાદ થતા ખુશીનો માહોલ છવાયો છે. જળાશયો તથા લાખોટા તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ છે.
જામનગરમાં આજે બપોર સુધીમાં જિલ્લામાં ૧ થી સાત ઈંચ જેટલો વ્યાપક વરસાદ થતા સમગ્ર જામનગર જિલ્લો પાણી-પાણી થઈ ગયો હતો. તેવી જ રીતે દ્વારકા જિલ્લામાં પણ અડધાથી બે ઈંચ જેટલો વરસાદ થયો છે. જામનગર જિલ્લાના બે જળાશયો ઓવરફ્લો થયા છે. અનેક જળાશયોમાં પાણીની આવક શરૃ થવા પામી છે. તો જામનગર મધ્યમાં આવેલા તળાવમાં પણ નવા નિરની આવક થવા પામી છે. જિલ્લામાં સૌથી વધુ કાલાવડ પંથકમાં સાત ઈંચ તેમજ ગ્રામ્ય પંથકમાં ચાર ઈંચ વરસાદના વાવડ છે.જિલ્લાના કાલાવડ તાલુકાના બાલંભડી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. જ્યારે ઊંડ-૪ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે.જામનગર શહેરના તોલા ફળી વિસ્તારમાં વીજશોક લાગવાના કારણે ચાર ગાયના અને શહેરના ત્રણબત્તી વિસ્તારમાં વીજશોક લાગવાથી બે કૂતરાના મૃત્યુ થયા હતાં. આમ મોસમના સાર્વત્રિક અને સારા પ્રથમ વરસાદે જ ભારે ખાના ખરાબી સર્જી છે.
જામનગર જિલ્લાના લાલપુર, કાલાવડ અને જામનગર તેમજ ધ્રોળ પંથકમાં સારો વરસાદ થતા જિલ્લાના કેટલાક જળાશયોમાં નવા નિરની આવક થવા પામી છે.સસોઈ ડેમની સપાટી ૬ ફૂટે પહોંચી છે. એટલે કે તેમાં પાંચ ફૂટ નવું પાણી આવ્યું છે. તેવી જ રીતે આજી-૩ માં ૧૩ ફૂટ નવા પાણીની આવક થવા પામી છે.રણજીતસાગરમાં સાત ઈંચની સપાટી વધી છે તો ઊંડ-૧ ડેમમાં પાંચ ફૂટ નવા પાણીની આવક થવા પામી છે. આમ પીવાના પાણીમાં રાહત થવા પામી છે. ઉપરાંત જામનગરના લાખોટા તળાવમાં પણ નવા નીરની આવક શરૃ થઈ ગઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks