(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૧
ભાજપની બી ટીમ તરીકે કામ કરવા જન વિકલ્પ મોરચાનું નેતૃત્વ સંભાળનાર શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ અને ભાજપના ત્રીજા વિકલ્પ તરીકે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી પરંતુ પ્રથમ ગ્રાક્ષે મક્ષિકાની જેમ પ્રથમ જ દિવસે માંડ ૩૦૦ જેટલા કાર્યકરો હાજર રહેતા પ્રચારયાત્રા ફ્લોપ શો જેવી પૂરવાર થઈ હતી. શંકરસિંહ વાઘેલાએ આજે નવરાત્રીના પ્રથમ દિવસથી પોતાની ટીમ સાથે વાસણીયા મહાદેવથી મહુડી, ઇડરથી ખેડબ્રહ્મા, મગરવાડા ખાતે માણિભદ્રવીર, ઉંઝા ઉમિયા માતાના અને ત્યાંથી મીરાદાતાર દર્શન કર્યા બાદ ગાંધીનગર પરત ફર્યા હતા. જન વિકલ્પ મોરચાના પ્રચારના ભાગરૂપે વાઘેલા આવતીકાલે સવારે કઠલાલ, ફાગવેલ, ડાકોર, હાલોલ, પાવાગઢ, વડોદરા સહિતના ક્ષેત્રોમાં ફરશે, ત્યારબાદ તા.૨૪મી સપ્ટેમ્બરે રવિવારે તેઓ શામળાજી, હિંમતનગર થઇ જૂનાગઢ જશે અને જૂનાગઢથી સોમનાથ, ખોડલધામ, દ્વારકા, સાળંગપુર, સુરત, ભરૂચ અને પાદરા થઇને તા.૩ ઓકટોબરે સાંજે ગાંધીનગર પરત ફરશે અને પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચારનો પ્રવાસ પૂર્ણ કરશે.
જન વિકલ્પ મોરચા અંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ જોતા સમગ્ર ગુજરાતની પ્રજા જાણે છે કે ભાજપ ચૂંટણી હારી રહી છે. આથી શંકરસિંહને હાથો બનાવી અમિત શાહ અને ભાજપના ઈશારે કોંગ્રેસના વોટ તોડવાના પ્રયત્ન શરૂ કરાયા છે. ખાસ કરીને મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારોને નિશાન બનાવી એકપણ મુસ્લિમ ઉમેદવાર ન ચૂંટાય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે ઈડીએ શંકરસિંહ વાઘેલાના નિવાસે દરોડા પાડ્યા ત્યારે ૧ હજાર કરોડનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા હતી. આથી પોતાને જેલમાં જવું ન પડે તે માટે બાપુ આ કામગીરી કરી રહ્યા છે. પરંતુ ગુજરાતની શાણી પ્રજા ગદ્દારોને કદી સ્વીકારતી નથી. શંકરસિંહ વાઘેલા જાહેરમાં ભલે કહેતા હોય કે હું કોઈ પક્ષ માટે કામ કરતો નથી પરંતુ શંકરસિંહ વાઘેલા જ્યારે રાજીનામુ આપવા ગયા ત્યારે તેમની સાથે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી હાજર હતા તે જ દર્શાવે છે કે બાપુએ કોંગ્રેસના મત તોડવા જ છેડો ફાડ્યો છે.