(એજન્સી) બેંગ્લોર, તા.૬
કર્ણાટકમાં હત્યાનો ભોગ બનેલા સિનિયર પત્રકાર અને કાર્યકર ગૌરી લંકેશના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની અંતિમવિધીમાં હજારો લોકો એકત્ર થયા હતા. ગૌરી લંકેશની બેંગ્લોરમાં તેમના ઘેર જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કર્ણાટક સહિત સમગ્ર દેશભરમાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. દેશભરના તમામ સંપદકો અને પત્રકારોએ આ ઘટનાની ઉગ્ર નિંદા કરીને સીબીઆઈ તપાસની માંગ કરી છે. ગૌરી લંકેશના ખૂનને લોકશાહીનું ખૂન ગણાવતાં કર્ણાટકના મુખ્યમંત્રી કે.સિદ્ધારમૈયાએ લંકેશને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર પોલીસે લંકેશના ઘેરથી સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે જેમાં ત્રણ હત્યારાઓ દેખાતા હતા. સંદિગ્ધોએ હેલ્મેટ પહેર્યું હતું. પોલીસે કહ્યું કે હત્યારાઓને ઝડપી પાડવા માટે પોલીસની ત્રણ ટીમોની રચના કરવામાં આવી છે. પોલીસે ઉમેર્યું કે હત્યારાઓ ભાડૂતી હોવાની પૂરી સંભાવના છે. કર્ણાટક સરકારે ગૌરી લંકેશ હત્યા કેસની તપાસ કરવા માટે સીટની રચના કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે જો જરૂર પડી તો રાજ્ય સરકાર સીબીઆઈ તપાસ કરાવવા માટે પણ તૈયાર છે. ગૃહમંત્રી રાજનાથસિંહે કર્ણાટક સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કન્નડ પત્રકાર અને ટેબલોઈડ લંકેશ પત્રિકાના સંપાદક ગૌરી લંકેશની તેમના ઘરે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી. તેમના પર સાત ગોળીઓ છોડવામાં આવી જેમાંથી ત્રણ ગોળીઓને કારણે તેમનું તત્કાળ મોત થયું હતું.