સુરતના બે પરિવાર તથા અમદાવાદની મહિલાનું મોત
(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૭
નેશનલ હાઈવે નં. ૮ પર વડોદરા નજીક કરજણ પાસે રવિવારે રાત્રે એક લકઝરી બસ અને બે કાર વચ્ચે થયેલ ગંભીર અકસ્માતમાં બે પરિવારના સભ્યો સહિત નવ જણાનાં મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ જણને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ગમખ્વાર અકસ્માતને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. બનાવ અંગે કરજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકોમાં ૪ જણ સુરતના હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારનાં જલારામનગરમાં રહેતા અને કાપડના વેપાર સાથે સંકળાયેલા વિકાસ શ્યામભાઈ ગેહલોટ (ઉ.ર૮) તેમના પરિવાર સાથે રવિવારે પાવાગઢ ખાતે દર્શન કરી ફોર્ચ્યુનર કારમાં રવિવારે રાત્રે પરત ફરતા હતા. તેમની કાર વડોદરા નજીકના કરજણ પાસેની શિવકૃપા હોટલ પાસેથી પુરપાટ ઝડપે પસાર થતી હતી. તે વખતે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર પસાર થતી અન્ય બે કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને બાદમાં એક ખાનગી લકઝરી બસ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.
આ ચાર વાહનો વચ્ચે થયેલ ગમખ્વાર અકસ્માતમાં વિકાસ શ્યામભાઈ ગેહલોટ તેમના પત્ની રીન્કુબેન (ઉ.વ.ર૭) તથા અઢી વર્ષનો પુત્ર આરવ ગેહલોટ તેમજ ૪ માસની મીઠી ગેહલોટનું તેમજ બીજી કારમાં સવાર પૂણાના ધણકવાડી વિસ્તારમાં શીતલ એપાર્ટમેન્ટમાં રહેતા સંજયભાઈ રાઠોડના પરિવારના નિશાબેન સંજયભાઈ રાઠોડ (ઉ.વ.૩૦), પ વર્ષની પુત્રી પરી સંજયભાઈ, ત્રણ વર્ષનો યુવી સંજયભાઈ રાઠોડ અને કૈલાસભાઈ વસરામ સોલંકી (ઉ.વ.ર૪)નું તથા અમદાવાદના સાસવત એપાર્ટમેન્ટમાં રહેતા ઝલકબેન સૌરભભાઈ શાહ (ઉ.વ.૩૦)નું મોત નીપજયું હતું. જેમાં ૪ માસની મીઠીનો મૃતદેહ અકસ્માતના સ્થળેથી ૩૦ ફુટ દૂરથી મળી આવ્યો હતો.
આ ગમખ્વાર અકસ્માતને પગલે રોડ પર ઠેર-ઠેર લોહીના ખાબોચિયા ભરાયા હતા. અકસ્માતને પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી. અકસ્માતને પગલે દોડી આવેલ લોકોએ બચાવ કામગીરી કરી હતી. કરજણ પોલીસે ટ્રાફિક હળવો કરી ઈજાગ્રસ્ત સંજયભાઈ જે. રાઠોડ (ઉ.વ.૩ર), સૌરભભાઈ સુરેશભાઈ શાહ (ઉ.વ.૩પ) તથા ર વર્ષની દિવ્યા સૌરભભાઈ શાહને ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.
બનાવને પગલે મૃતકોના પરિવારજનો અને સગાસંબંધીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. અકસ્માત અંગે કરજણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.