(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૫
અમરેલીની એસબીઆઈ બેંકમાં ૧.૩૫ કરોડની ચોરીમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહયો છે પોલીસ દ્વારા આ મામલે પ્રથમ બેંકના સ્ટાફ તેમજ સિક્યુરિટી ગાર્ડની પુછપરછ કરવામાં આવી રહી છે પોલીસે આશંકા વ્યક્ત કરેલ છે કે આવડી મોટી ચોરીને અંજામ આપનાર ચોર બેંકની તમામ ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ હોવાનું જણાવેલ છે ત્યારે બેંકના અંદરના કોઈક વ્યક્તિએ જ ચોરીનો પ્લાન ઘડેલ હોવાની આશંકા જણાઈ રહી છે, બેંકમાં ૨ સિક્ર્યુરીટી ગાર્ડ હાજર હોવાં છતાં અઢી કલાક સુધી ચોર દ્વારા બિન્દાસ્ત ચોરી કરી પલાયન થઇ ગયેલ છે ત્યારે બેંકમાં હાજર બંને સિક્યુરિટી ગાર્ડને અઢી કલાક સુધી બેંકમાં શું થઇ રહયું છે તેની પણ તેને ખબર ના રહી તેથી તે પણ શંકાના દાયરામાં આવી રહયા છે,પોલીસ ધ્વારા બેંકના કર્મચારીઓની કોલ ડીટેલ પણ મંગાવી તે દિશામાં તપાસ હાથ ધરાઈ રહી છે.
જ્યારે પહેલી તારીખે અમરેલીની એસબીઆઈ બેંકમાં કરોડો રૂપિયાની રોકડ આરબીઆઈમાંથી આવેલ ત્યારે સાતેક જેટલા મજૂરોને રોકડ રકમ ગાડીમાંથી બેંકમાં મુકવા માટે મજૂરી કામે લવાયેલ હતા તેઓની પણ પોલીસ દ્વારા ક્રોસ તપાસ ચાલી રહી છે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે આશા સાથે જણાવ્યું હતું કે બેંકમાં ચોરી કરનાર ચોરને તેવો ટૂંક સમયમાં જ પકડી લેશે.