
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૩૦
અમદાવાદ શહેરમાં સોમવારના રોજ રિક્ષાચાલકોએ હડતાળ પાડતા ભારે અરાજકતા સર્જાઈ હતી. રિક્ષાઓ માટે પૂરતા પ્રમાણમાં સ્ટેન્ડ બનાવવા અને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં ન આવે તે સહિતના મુદ્દે હડતાળ પાડવામાં આવી હતી જો કે, પોલીસ દમનના હડતાળ પર ઉતરેલા રિક્ષા ચાલકો પૈકી કેટલાકે તો બંધમાં ફરજિયાત જોડાવવા રિક્ષાચાલકો પર જ દમન ગુજાર્યો હતો તો કયાંક એએમટીએસ બસોના કાચ પણ ફોડયા હતા.
અમદાવાદના રિક્ષાચાલકો આજે સવારથી હડતાળ ઉપર ઉતર્યા છે. રિક્ષાચાલકોની આ હડતાળ ધીમે ધીમે ઉગ્ર બની હતી. મળતી માહિતી પ્રમાણે હડતાળનું ચુસ્ત પાલન કરાવવા માટે કેટલાક રિક્ષાચાલકો રસ્તા ઉપર ઉતરીને રિક્ષાઓ બંધ કરાવવા નીકળી પડયા હતા. ચાલુ રિક્ષાના ચાલકો સાથે હડતાળિયા ચાલકોએ ઝડપાઝપી કરી હોવાની પણ ઘટનાઓ બની છે. દેખાવકારો બળજબરીથી રિક્ષાઓ બંધ કરાવી રહ્યા હતા. સાથે સાથે રિક્ષાચાલકોએ અમદાવાદની મહત્વની સેવા એવી એએમટીએસ બસોને પણ નિશાન બનાવી હતી. તોડફોડ કરીને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડયું હતું. રિક્ષાચાલકોની હડતાળના કારણે મુસાફરોની કફોડી પરિસ્થિતિ થઈ હતી.
સવારે એક રિક્ષાચાલક ૧૩ર ફુટ રીંગ રોડ ઉપર આવેલા હેલ્મેટ સર્કલ પાસેથી પસાર થઈ ગયો હતો. ત્યારે અન્ય હડતાળિયા રિક્ષાચાલકોએ તેને રોકીને તેની સાથે ઝપાઝપી કરી હતી. દેખાવકારોએ તેને માર્યો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. ઝપાઝપીમાં રિક્ષાચાલકનું શર્ટ ફાટી ગયું હતું. આમ હડતાળિયા રિક્ષાચાલકોની રીતસરની દાદાગીરી જોવા મળી હતી.
મળતી માહિતી પ્રમાણે અસારવા વિસ્તારમાંથી પસાર થતી ૭ એએમટીએસ, ગોમતીપુરમાં ૧ એએમટીએસ અને ચાંદલોડિયામાં ૧ એએમટીએસ બસ આમ અમદાવાદમાં કુલ ૯ એમટીએસના કાચ તોડયા છે. કાચ ફોડવાથી મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તેઓ અધવચ્ચે જરઝડી પડયા હતા. જો કે એએમટીએસ દ્વારા બીજી બસોની સુવિધા કરવામાં આવી હતી. રિક્ષાચાલકોની હડતાળને પગલે એસ.ટી., રેલવે સ્ટેશનમાં જતા-આવતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે કેટલાક શિક્ષિત મુસાફરોએ ઓલા અને ઉબેર જેવી ટેક્ષી બોલાવી મુસાફરી માણી હતી. જયારે અન્ય મુસાફરો રઝળી પડયા હતા. રિક્ષાઓ બંધ હોવાથી રસ્તાઓ પણ સૂમસામ ભાસતા હતા અને સામાન્ય દિવસમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાંથી પણ સહેલાઈથી પસાર થઈ શકતા હતા. હડતાળને પગલે બજારોમાં પણ ચહલપહલ ઓછી વર્તાતી હતી. દરમ્યાન ઓટોરિક્ષા ન્યાય સમિતિ અને વાહન વ્યવહાર કમિશનર વચ્ચે પાર્કિંગ સ્ટેન્ડ અને પોલીસની હેરાનગતિ એમ મુખ્ય બે મુદ્દા પર બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વાહનવ્યહાર કમિશનરે યોગ્ય કરવા ખાતરી આપી હતી.