(એજન્સી) ટોક્યો, તા. ૩૦
છેતરપિંડીના કેસમાં દોષિત ઠરેલા જાપાનના એન્ટરપ્રિન્યોર દ્વારા વિકસાવવામાં આવેલું રોકેટ શનિવારે લોન્ચિંગ પછી તરતજ વિસ્ફોટ સાથે તૂટી પડ્યું હતું. પ્રથમવાર ખાનગી રીતે અંતરિક્ષમાં મોકલવામાં આવી રહેલું રોકેટ ધડાકા સાથે ક્રેશ થવાથી ભારે ફટકો પડ્યો છે. જાપાનના પોપ્યુલર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર લાઇવડોરના ક્રિએટર ટાકાફુમી હોરી દ્વારા સ્થાપવામાં આવેલી ઇન્ટરસ્ટેલર ટેકનોલોજીસે માનવ વિહોણા રોકેટ મોમો-૨ને શુક્રવારે સાંજે આશરે ૮-૩૦ વાગે (ભારતીય સમય મુજબ) દક્ષિણી હોક્કાઇડોના તૈકીમાં આવેલા ટેસ્ટ સાઇટથી લોન્ચ કર્યું હતું.
ટીવી ફુટેજમાં બતાવવામાં આવ્યા મુજબ લોન્ચિંગ બાદ તરતજ આશરે ૧૦ મીટર (૩૩ ફૂટ)ની ઉંચાઇએ પહોંચ્યા પછી થોડાક જ સેકન્ડ્સમાં જ રોકેટ મોમો-૨ લોન્ચ પેડ પર પાછું આવીને તૂટી પડ્યું હતું અને ધડાકા સાથે અગ્નિજવાળાઓમાં લપેટાઇ ગયું હતું. જોકે, ધડાકા સાથે સ્પેસ રોકેટ તૂટી પડવાની આ ઘટનામાં કોઇને ઇજા થઇ હોવાના અહેવાલો પ્રાપ્ત થયા નથી. આ રોકેટ લોન્ચિંગથી નિરીક્ષણ સંબંધિત કેટલાક ઉપકરણોને ૧૦૦ કિલોમીટર (૬૨ માઇલ્સ) સુધી આકાશમાં મોકલવાનું હતું. આ નિષ્ફળતા પહેલા ગયા વર્ષે જુલાઇમાં રોકેટ લોન્ચ કર્યાના આશરે એક મિનિટ બાદ એન્જિનીયરોએ રોકેટ સાથે સંપર્ક ગુમાવી દીધો હતો. ઇન્ટરસ્ટેલર ટેકનોલોજીસે જણાવ્યું કે આ લેટેસ્ટ નિષ્ફળ રોકેટ લોન્ચિંગનું વિશ્લેષણ કર્યા બાદ તે રોકેટ વિકાસનો પોતાનો કાર્યક્રમ ચાલુ રાખશે.