વિરમગામ,તા.૧ર
રાજ્યના વિઠલાપુર ગામે આવેલી જાપાનીઝ કંપનીમાં દલિત યુવકો સાથે થતી આભડછેટના લીધે જાપાનના વડાપ્રધાનનો ઘેરાવ કરીને કાળાવાવટા ફરકાવવાની ચીમકી દલિતોએ ઉચ્ચારી છે.
પ્રાપ્ત વિગતો મુજબ જાપાનના વડાપ્રધાન શિંજો આબે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ સમયે ગુજરાતમાં વિઠલાપુર ગામે હોન્ડા કંપનીમાં દલિત યુવકને જાતિ આધારિત અપમાનિત કરી કાઢી મુકવાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવની ફરિયાદ દાખલ કરવા માટે વિરમગામ શહેરના ર૦૦ દલિત યુવાનો સવારના ૧૧ વાગ્યે ડી.વાય.એસ. પી. ઓફિસ વિરમગામ પહોંચ્યા હતા. જેમાં પોલીસની ઢીલી નીતિના કારણે રાત્રે ૮.૦૦ વાગે પોલીસ ફરિયાદની નકલ મળી હતી સમગ્ર બનાવમાં પોલીસ અધિક્ષક અમદાવાદથી પી.એસ.આઈ.નું દબાણ હતું કે આ ફરિયાદમાં ભીનું સંકેલાય. વિઠલાપુર પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ અને પી.એસ.આઈ.નાઓએ આરોપીઓને બચાવવા માટે ફરિયાદ નોંધી નથી જેથી તેમની વિરુધ્ધ આઈપીસી કલમ ૧૬૬-એ-ર૧૭,ર૧૮ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અટકાવ (એમેન્ડમેન્ટ) ર૦૧પની કલમ-૪ હેઠળ ગુનો દાખલ કરવા વિઠલાપુર પોલીસ સ્ટેશનના પીએસઓ અને પીએસઆઈની તાત્કાલિક અસરથી બદલી કરવી. તેમજ અત્યાચારનો ભોગ બનેલ પીડિત પરિવારને જીવનું જોખમ હોવાથી હથિયાર ધારી પોલીસનું રક્ષણ પુરૂં પાડવું આરોપી વિરુધ્ધ ગુનો દાખલ કરી ર૪ કલાકમાં ધરપકડ કરવી ઉપરોકત માગણીઓ જો ર૪ કલાકમાં નહીં સંતોષાય તો સમગ્ર ગુજરાતના દલિતના દલિત સમુદાય દ્વારા આવતી કાલે ગુજરાતમાં જાપાનના વડાપ્રધાનનો ઘેરાવ કરવામાં આવશે અને આ સમયે જો દલિત સમાજની અટકાયત કરવામાં આવશે તો ગુજરાતના દલિતો હોન્ડા કંપની અને વિઠલાપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશે. આ અંગે ગુજરાતમાં કોઈ પરિસ્થિતિ નિર્માણ પામશે તેની સમગ્ર જવાબદારી ગુજરાત સરકારની રહેશે. આ મામલાની ચીમકી અનુસૂચિત જાતિ અધિકાર આંદોલન ગુજરાતના કન્વીનર કિરીટ રાઠોડ એ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.