(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩૧
ચીનના રાષ્ટ્રપતિની ગુજરાત-અમદાવાદની મુલાકાત બાદ હવે આગામી તા.૧૩ અને ૧૪ સપ્ટેમ્બર દરમ્યાન જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે અમદાવાદ-ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વસ્ત્રાપુરની ફાઇવસ્ટાર હયાત હોટલમાં રોકાશે, ત્યારે તેમની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાશે. બંને દેશોના વડાપ્રધાન શહેરના સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લઇ સર્વધર્મ પ્રાર્થનામાં ભાગ લેશે. બંને વડાપ્રધાનોની મુલાકાતને લઇ તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ખાસ કરીને સલામતી અને સુરક્ષાના તમામ પાસાઓ ફુલપ્રૂફ કરવાનું આયોજન થઇ રહ્યું છે. જાપાનના વડાપ્રધાન ખાસ કરીને બુલેટ ટ્રેનના પ્રોજેકટ અને સાણંદ ખાતે જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્ઘાટન માટે અમદાવાદની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમ્યાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અહીં જ કેટલાક મુદ્દાઓ પરત્વે ચર્ચા વિચારણા કરશે. જાપાનના વડાપ્રધાન જાપાનથી સીધા જ ગુજરાત પધારવાના છે અને બે દિવસની તેમની મુલાકાત અને સૂચિત કાર્યક્રમો બાદ તેઓ અહીંથી જ સીધા જાપાન જવા રવાના થશે. તેઓ દેશના પાટનગર દિલ્હીની મુલાકાત લીધા વિના જ પરત ફરે તેવી શકયતાઓ છે. જો એમ થશે તો, પ્રથમ વખતે કોઇ અન્ય દેશના વડાપ્રધાન દેશના પાટનગર દિલ્હીની મુલાકાત સિવાય પરત ફરશે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૪મીએ સવારે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે એક લાખ કરોડના ખર્ચે તૈયાર થનારા બુલેટ ટ્રેન પ્રોજેકટની તકતીનું અનાવરણ કરશે. ત્યારબાદ જાપાનના વડાપ્રધાન સાણંદમાં એક હજાર હેકટરમાં આકાર પામનાર જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું ઉદ્ઘાટન કરશે. દરમ્યાન જાપાન સરકારની એજન્સી જાપાન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેશન એજન્સીની લોન સહાયનું ગુજરાત મેરિટાઇમ બોર્ડને વિતરણ કરાશે તેવી વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.