(એજન્સી) બોકારે, તા.ર
બોકારેની પોલીસ ઉપાધિક્ષક પૂનમ મિંજે જણાવ્યું કે ઉગ્ર ટોળા દ્વારા એક યુવકની મારપીટની ઘટનાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એ ટોળામાં સામેલ લોકોની ધરપકડ કરવાના તમામ પ્રયત્નો ચાલુ છે. અત્યાર સુધી કોઈની પણ ધરપકડ થઈ નથી. પોલીસે યુવક સાથે મારપીટ કરતા ગુંડાઓની ઓળખાણ પણ કરી છે. પીડિત યુવક શાકિર બોકારો જિલ્લાના કઠારા ગામના એક કોમ્પ્યુટર સેન્ટરમાં કામ કરે છે. આ ઘટના સોમવારની સવારે બની હતી. એક ઉગ્ર ટોળા દ્વારા શાકિર પર હુમલો કરવામાં આવ્યો. વીડિયોમાં લોકો શાકિરને નગ્ન કરી મારી રહ્યા છે. પૂનમે જણાવ્યું કે પોલીસને ઈમરજન્સી નંબર ૧૦૦ પર કોલ મારફતે ઘટનાની જાણકારી મળી હતી અને ઘટનાસ્થળે પહોંચી યુવકને ઉગ્ર ટોળાથી છોડાવી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. શાકિરની હાલત ગંભીર છે.પોલીસના જણાવ્યાનુસાર એક સગીરાએ શાકિર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી તેની પર છેડતીનો આરોપ લગાવ્યો છે. જેની તપાસ ચાલુ છે. જ્યારે શાકિરના પરિવારજનોએ કહ્યું કે શાકિર પર થયેલ હુમલો ઘૃણાથી પ્રેરિત છે અને મારપીટ કરનાર તમામ લોકો અન્ય સમુદાયના છે. હાલ કેટલાક દિવસોથી ભારતમાં ઉગ્ર ટોળાઓ દ્વારા હુમલાઓની ઘટના વધી રહી છે. આ હુમલાઓ અધિકતર પીડિત લઘુમતી સમુદાયના જ છે.