(એજન્સી) ધનબાદ,તા.૨૦
ઝારખંડમાં ગાયો સાથે જઇ રહેલા ૨૬ વર્ષના એક શખ્સને ટોળાએ ગાયોનો તસ્કર માનીને તેને ઝાડ સાથે બાંધીને તેની મારપીટ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ શખ્સ માનસિક રીતે બીમાર હતો. આ ઘટના ઝારખંડના ધનબાદના વાસેપુરની છે. શખ્સનું નામ અફરોઝ હોવાનું જાણવા મળ્યંુ હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ૧૯ જુલાઇએ અફરોઝને ગામના લોકોએ ત્રણ ગાય સાથે જોતા એવું માની લીધંુ હતું કે તે ગાયોનો તસ્કર છે અથવા તો ગાયોની ચોરી કરવા આવ્યો છે. તેના કારણે લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને તેનેે ઝાડ સાથે બાંધીને નિર્દય રીતે પાશવી મારપીટ કરી હતી. પોલીસ સમયસર પહોંચી ગઇ અને મારપીટ કરતા લોકોથી છોડાવ્યો હતો.
ઇસ્ટ બસુરિયાના ઓપી ઇન્ચાર્જ પ્રેમચંદ્ર હાસદાએ જણાવ્યું હતું કે તે ગાયનો તસ્કર નથી કે ગાયો ચોરવાનો તેનો કોઇ ઇરાદો ન હતો. અફવાને કારણે આ ઘટના ઘટી હતી. પોતાની માનસિક બીમારીને કારણે તે પોતાનો બચાવ કરી શક્યો ન હતો. પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરો પણ કહેવાતા ગૌરક્ષકો ન હતા કે જેણે ગૌરક્ષાના નામે દેશના જુદા જુદા ભાગોમાં અનેક લોકોની હત્યા કરી છે.
ગાયને હિંદુઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે અને જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાજપને ચૂંટણીમાં સફળતા મળી છે ત્યારથી ગાયોની કતલ અને તસ્કરી પર વધુ પડતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઝારખંડમાં ગયા મહિને પશુઓની ચોરી કે તસ્કરી તેમજ બીફના મામલે મુસ્લિમો પર ટોળાના હુમલાના ત્રણ બનાવો બન્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે અફરોઝને મારપીટમાં તેના માથા, પીઠ, પગ અને ડોકમાં ઇજાઓ પહોંચી છે અને તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અફરોઝ માનસિક રીતે બીમાર છે અને છેલ્લા પાંચ વર્ષથી રાંચી ઇન્સ્ટીટ્યૂટ ઓફ ન્યૂરો સાયક્યાટ્રી એન્ડ એલાયડ સાયન્સ સાથે તેની સારવાર ચાલી રહી છે.