જસદણ,તા.૨૫
જસદણમાં આગામી સોમવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદી ચૂંટણી સભા ગજવવા આવવાના હોવાથી વહીવટી તંત્ર દ્વારા ઝડપભરે કામ થઈ રહ્યું છે. જસદણના ઈતિહાસમાં સૌ પ્રથમવાર દેશના વડાપ્રધાન શહેરમાં આવી રહ્યો હોવાથી શહેરીજનોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી છે. ખાસ કરીને નરેન્દ્રભાઈ જસદણમાં આવવાના હોવાથી ભાજપ પક્ષને એક મિટીંગ બોલાવી હતી. જેમાં કાર્યકરોથી માંડી જસદણ વિંછીયા તાલુકાના તમામ હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપ દ્વારા સોશ્યલ મીડિયામાં પ્રસાર પ્રચાર જોરશોરીથી લાંબા સમયથી શરૂ કરી દેવામાં આવ્યો છે. સોમવારે સવારે મોદી ભૂજથી પ્રચારનું બ્યુગલ ફૂંકી ત્યારબાદ બપોરે ૧ઃ૩૦ કલાકે શહેરના વિંછીયારોડ પરના હેલીપેડ પર ઉત્તરાણ કરશે. વડાપ્રધાનના આગમનને લઈ કુલ બે હેલીપેડ તૈયાર કરાયા છે. કુલ ચાર હેલિકોપ્ટરનું આગમન જસદણ શહેરમાં થશે. આગમન સમયે ભાજપના ઉમેદવાર ડો.ભરતભાઈ બોઘરા, આગેવાનો ભીખાભાઈ રોકડ, અશોકભાઈ મહેતા, ભરતભાઈ ઉનડક્ટ, ગજેન્દ્રભાઈ રામાણી, રફીકભાઈ મીઠાણી સહિતનાઓ ંવડાપ્રધાન મોદીનું સ્વાગત સન્માન કરશે. ત્યારબાદ ઉપસ્થિત શ્રોતાજનોને ઉદ્બોધન કરશે. દેશના વડાપ્રધાન તરીકે મોદી પ્રથમવાર પધારી રહ્યાં હોવાથી કાળાસર ગામના પાટીયા પાસે વિશાળ મેદાનને સાફસૂફ કરવામાં આવ્યું છે. ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. મોદીજીનું ભાષણ સાંભળવા આવેલા લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે પાણીથી લઈ આરોગ્ય સુધીની દરેક સવલત મેદાન પાસે ઉભી કરાશે.