(એજન્સી) ગાંધીનગર, તા.ર૧
પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના ગવર્નર આનંદી પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુંવારા છે તેવું જાહેર નિવેદન કરવા બદલ તેમના ત્યજી દેવાયેલા પત્ની જશોદાબેને ઊંડો આઘાત વ્યક્ત કર્યો છે.
જશોદાબેને કહ્યું કે નરેન્દ્ર મોદીએ ર૦૦૪માંં ઉમેદવારીપત્ર ભરતી વખતે તેઓ પરણેલા છે તેઓ સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે તેમજ લોકસભાની ચૂંટણી સમયે પણ આવો જ ઉલ્લેખ કર્યો છે. જશોદાબેનના ભાઈ અશોક મોદીએ જશોદાબેનનું નિવેદન વીડિયો પર વાંચી સંભળાવ્યું હતું.
જશોદાબેને કહ્યું કે એક શિક્ષિત મહિલા તરીકે આનંદીબેનનું નિવેદન આઘાતજનક છે. તેમણે કહ્યું કે આવું નિવેદન વડાપ્રધાન મોદીની છાપ ખરાબ કરનાર છે. તેઓ મારા માટે રામ સમાન છે. તેમના માટે મને માન છે. મોદી સાથે લગ્ન અંગેના પુરાવા રજૂ કરવા જશોદાબેનને પાસપોર્ટ કચેરીએ હેરાન કર્યા હતા. જશોદાબેનના ભાઈ અશોક મોદી ઉંઝામાં એક નાની દુકાન ચલાવે છે. જશોદાબેન તેમની સાથે રહે છે. ર૦૧૪ની લોકસભાની ચૂંટણી સમયે નરેન્દ્ર મોદીએ સોગંદનામામાં જશોદાબેનને પત્ની તરીકે દર્શાવ્યા છે. આનંદીબેનના નિવેદન બાદ આ અંગેનો ખુલાસો કરવાની જશોદાબેનને ફરજ પડી છે.