(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૪
રાફેલ સોદા અંગે મારૂ સ્પષ્ટ માનવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી વચ્ચે સીધી રીતે સોદો થયો છે. આ દાવાનો આધાર એ છે કે આ સોદાના બે દિવસ પહેલા ૮ એપ્રિલ ર૦૧પના રોજ ભારતના વિદેશ સચિવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ વચ્ચેની બેઠકમાં રાફેલ સોદા અંગે કોઈ ચર્ચા નહીં થાય કારણ કે, એચએએલ તથા દસોલ્ટ વચ્ચે કરાર માટે વાતચીત જારી છે. જે સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. આનો સીધો અર્થ એ જ છે કે વિદેશ સચિવને આ સોદા પર ચર્ચા અને હસ્તાક્ષરની કોઈ જાણકારી ન હતી. એમ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારોને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી જયપાલ રેડ્ડીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ સોદા પર હસ્તાક્ષર થયા તો તાત્કાલિક સંરક્ષણ મંત્રી મનોહર પાર્રિકરે પોતાની જાતને અલગ કરી એટલું જણાવ્યું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન વચ્ચે સમજૂતી થઈ છે અને તેઓ આ કરારનો સમર્થન કરે છે. આશ્ચર્યની વાત એ છે કે કેન્દ્રીયમંત્રી વડાપ્રધાને કરેલા કરારનું સમર્થન કરી રહ્યા હતા. પરંતુ હોવું એમ જોઈએ કે મંત્રીઓ દ્વારા થયેલા કરારનું વડાપ્રધાન સમર્થન કરતા હોય છે આ સમજૂતી પર હસ્તાક્ષર કરાયાની જાણકારી વડાપ્રધાન સિવાય માત્ર અનિલ અંબાણીને જ હતી.
યુપીએ સરકારની સરખામણીમાં એનડીએ સરકાર દ્વારા જે ૩૬ રાફેલ વિમાનોની ખરીદી કરવામાં આવી તે ૪૧૦૦૦ કરોડ રૂપિયા વધારે છે. સરકાર આ કિંમત જાહેર કરતી નથી જ્યારે ફ્રાંસ સરકારની કંપની દસોલ્ટ અને રિલાયન્સ કંપનીએ જ આ કિંમત જાહેર કરી છે. પુરા કરારની કિંમત ૬૧૦૦૦ કરોડ રૂપિયા છે. જેમાંથી પ૦ ટકા ભાગીદારી રિલાયન્સ કંપનીની હશે. રિલાયન્સ કંપની જેને આ ક્ષેત્રે કોઈ પૂર્વ અનુભવ નથી તે આટલો મોટો સોદો કઈ રીતે પૂરો કરશે એ પ્રશ્ન છે.
એક તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક ઈન ઈન્ડિયાની વાતો કરે છે પરંતુ હવે લાગે છે કે ભારતમાં દલાલોને બનાવવામાં વિશ્વાસ કરવા લાગ્યા છે. આ સોદામાં કોઈ વિદેશી દલાલ નથી પરંતુ દેશી દલાલ છે. આ સોદાથી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે ભારતની જ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)નું ભવિષ્ય શું ? શું ખાનગી કંપનીને ફાયદો કરાવવા સરકારી કંપનીને શૂળી પર લટકાવી દેવાશે ? રાફેલ ભારતીય વાયુ સેનાનું એક માત્ર લડાકુ વિમાન હશે જેની પ્રણાલી એચએએલમાં વિકસિત કરવામાં નહીં આવે જ્યારે પણ ભારતમાં વિદેશીઓની સંરક્ષણ પ્રણાલીના ક્ષેત્રમાં ખરીદી થતી હોય ત્યારે ટેકનિકલ હસ્તાંતરણ પર ભાર રાખવામાં આવે છે. જેનાથી અમને અનેક લાભો મળી શકે છે.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ફ્રાંસની ડસોલ્ડ એવિએશન પાસેથી ૩૬ રાફેલ લડાકુ વિમાનોની ખરીદીનો ભારતનો સૌથી મોટો સંરક્ષણ સોદો એ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાની, રાષ્ટ્રીય હિતો સાથે ચેડાં કરવાની, રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ કરવાની, જાહેર ક્ષેત્રના સાહસ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના (એચએએલ) હિતોની ઉપેક્ષા કરવાની અને છદ્મ મૂડીવાદની (ક્રોની કેપિટાલિઝમ) સંસ્કૃતિને પોષવાની એક અધમ, મલિન અને સ્વાર્થી ગાથા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૬ રાફેલ લડાકુ વિમાનની એકપક્ષીય ખરીદીમાં કાયદા-નિયમો અને ધારા-ધોરણોને નેવે મૂકીને કરવામાં આવેલા મોટામસ ગોટાળામાં ૩૬ લડાકુ વિમાનોની ખરીદ કિંમત ઈરાદાપૂર્વક છૂપાવવામાં આવી, સંરક્ષ પ્રાપ્તિ પ્રક્રિયાની ફરજિયાત જોગવાઈઓનું છડેચોક ઉલ્લંઘન કરાયું છે. માત્ર ૧ર દિવસ જૂની કંપની રિલાયન્સ ડિફેન્સને ૩૦,૦૦૦ કરોડનો ઓફસેટ કોન્ટ્રેક્ટ આપીને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જેવી અનુભવી કંપનીની ઘોર ઉપેક્ષાનો આ મામલો મૂડીવાદીઓને ફાયદો પહોંચાડવાના છદ્મ મૂડીવાદ (ક્રોની કેપિટાલિઝમ)નો ઉડીને આંખે વળગે એવો આધારભૂત કિસ્સો છે.